સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યારસુધીમાં 23ના મોત થયા છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખોદેશ સ્તબ્ધ છે. 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતકબાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ જોવા મળતોહતો.
કઠણ કાળજા પણ પીગળી ગયા:
24 મેના રોજ સુરતમાં બનેલા અગ્નિકાંડને પગલે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ અગ્નિકાંડના 23 હતભાગી બાળકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, ત્યારે આજે 23માંથી 19 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં સુરત હિબકે ચડ્યું હતું અને કોણ કોને છાના રાખે એવી સ્થિતિ ઉભી થઈ હતી. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો, સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આ ઘટનાનો આઘાત કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે એવો છે.
ખાદીની માનવતા મરી પરવારી પણ સુરતીઓમાં સંવેદનશીલતા જોવા મળી:
જ્યાં ખાદીની માનવતા મરી પરવારી હતી ત્યાં સુરતીઓની સંવેદનશીલતા જોવા મળી હતી. રાજકારણીઓ માત્ર અને માત્ર સાંત્વના આપીને રવાના થઈ ગયા હતા ત્યારે ગઈકાલ સાંજથી આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઉભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતી લાલાઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.
સમગ્ર ઘટનામાં ગઈકાલની સાંજ બાદનો દિવસ ગોઝારો બની ગયો છે, ત્યારે સુરતીઓએ સંયમ, સહકાર અને સંવેદનશીલતાથી મૃતક અને ઘાયલ બાળકોના પરિવારજનોને સધિયારો આપ્યો હતો.
આ રીતે ફાટી નીકળી આગ:
કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલૅાડ થતાં આગ ભડકી હતી જેમાં જોત જોતામાં આખુ બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં.
મરવાનું જ હતું તો પછી કૂદીને બચવાનો વિકલ્પ પસંદ કર્યો
અમે વીસેક વિદ્યાર્થીઓ ક્લાસિસમાં હજુ તો બેઠા જ હતા ત્યાં ધુમાડા દેખાવા લાગ્યા. પહેલા તો કાગળિયા સળગ્યા હોવાની વાત માની પણ એક વ્યક્તિએ આગ મોટી હોવાની વાત કરતા જ બહાર નીકળીને જોયું તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. બારી બારણાં તોડી નીકળવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય જવાની જગ્યા ન હતી. પરિણામે ક્લાસિસમાં રહીને મરવા કરતા કૂદકો મારી ચાન્સ લેવા નિર્ણય કર્યો. કૂદકો મારી પણ દીધો. હાથમાં ને માથામાં ઇજા થઈ- રુચિત વેકરિયા, વિદ્યાર્થી
ભગવાનનું રટણ કરતાં કૂદી પડી ને લોકોએ મને કેચ કરી લીધી…!
અમારી સાથે 3 વર્ષનો એક અને બાકીના 5 થી 6 વર્ષના નાના બાળકો પણ હતાં. કોમ્પલેક્ષમાં એન્ટ્રી- એક્ઝિટ એક જ છે અને ત્યાંથી જ ધૂમાડો આગ લપકારા લેતી હતી સ્વાસ પણ લઈ શકાઈ તેવી સ્થિતિ ન હતી બાળકોને બચાવવા પ્રયાસ કર્યો પણ બચવા માટેનો કોઈ રસ્તો જ ન હતો. અમારા સાહેબો પણ કૂદી ગયાં હતાં. જીવ બચી જશે તેમ વિચારીને કૂદકો મારી દીધો..નીચે લોકોનું ટોળુ હતું તેઓએ મને કેચ કરી લેતાં જીવ બચી ગયો..પગમાં શરીરે ઈજાઓ થઈ છે- રેન્સી પ્રકાશભાઈ રોય (18)
કાચ તોડીને નીચે ઝંપલાવી દીધું લોકોએ મને ઝીલી લીધી…!
ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કરું છું. ત્યાં અલોહા વૈદિક ગણીતના ક્લાસિસ પણ ચાલે છે ત્યાં 10 થી 15 વર્ષના બાળકો અભ્યાસ કરે છે. આગ ધુમાડાને લીધે બધા ખુબજ ડરી ગયા હતાં. બચાવોની બૂમાબૂમ ચિચિયારીઓ પાડતાં હતાં. અમારી સાથે 20 જેટલા વિદ્યાર્થીઓ હતાં. બચાવા માટે અમે કાચ તોડી પાડ્યો હતો ત્યાર બાદ મેં નીચે ઝંપલાવી દીધું હતું. લોકોના ટોળાએ મને ઝીલી લીધી હતી તેથી જીવ બચી ગયો છે- આરઝુ કિશોરભાઈ ખુંટ (18)
- સુરત: આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ આવ્યું છે ત્યારે નિકળી તેમની અંતિમયાત્રા
- સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!