શોભિત ગુપ્તા (27 વર્ષ), બિજલ ભાવસાર (23 વર્ષ) અને તેના ભાઈ તીર્થ (15 વર્ષ) માટે રવિવાર ભયાનક સાબિત થયો. હાલમાં જ શોભિત અને બિજલને તેમના પરિવારો તરફથી સગાઈની મંજૂરી મળી. ગુપ્તા અને ભાવસાર પરિવારે તેમનો સંબંધ મંજૂર કરી દેતાં તેઓ પ્રેમની ઉજવણી કરવા કાંકરિયા આવ્યા હતા. જો કે, કાંકરિયા લેકફ્રંટ પર આનંદની પળો વિતાવવા આવેલા આ ત્રણેયને ‘ડિસ્કવરી’એ હોસ્પિટલમાં પહોંચાડી દીધા. અમ્યૂઝમેન્ટ પાર્કમાં આવેલી ડિસ્કવરી રાઈડ 20 ફૂટ ઊંચેથી નીચે પડતાં ત્રણેયને ઈજા થઈ.
15 વર્ષના તીર્થનો પગ કાપવો પડ્યો
શોભિતને ખભા અને પગમાં ફ્રેક્ચર થયું. જ્યારે 15 વર્ષના તીર્થનો ડાબો પગ દુર્ઘટનામાં કચડાઈ ગયો. રાઈડમાં તીર્થની સીટ કોંક્રિટ અને ઈંટના પ્લેટફોર્મ પર અથડાઈ હતી. એલ. જી. હોસ્પિટલના એક હોદ્દેદારે કહ્યું, “તેના હાડકાં તૂટી ગયા હતા અને તેનો જીવ બચાવવા પગ કાપવો પડે તેવું જ હતું. અમે તેનો બીજો પગ બચાવવામાં સફળ રહ્યા. તીર્થને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને સ્થિતિ ગંભીર છે.”
દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય ત્રણ દર્દીઓની પણ છાતી, કરોડ અને પગની સર્જરી કરવામાં આવી છે. મેડિકલ ઓફિસરોએ કહ્યું, આગામી ત્રણ-ચાર દિવસ સુધી હજુ તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઈજાગ્રસ્તો પૈકીના 7ને કરોડરજ્જુમાં ઈજા થઈ, 3ને છાતીમાં, બે વ્યક્તિને થાપામાં અને પગની ઘૂંટીમાં, એકને પેડુમાં અને એકને પીઠમાં તેમજ બે લોકોને એકથી વધારે અવયવમાં ઈજા થઈ છે. સામાન્ય ઈજા પામેલા એક વ્યક્તિને સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું.
તબીબે કહ્યું, “માત્ર 15 વર્ષના બાળકની સ્થિતિ ગંભીર છે, બાકીના બધા જ દર્દીઓ ખતરાની બહાર છે. અને સારવારની અસર પણ થઈ રહી છે.” તીર્થને ICUમાં રાખવામાં આવ્યો છે જ્યારે બાકીના ત્રણને ઓપરેશન થિયેટર વૉર્ડમાં, બેને ટ્રોમા વૉર્ડ, ચારને સર્જરી વૉર્ડમાં અને બાકીનાને ઓર્થોપેડિક વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. રવિવારે હોસ્પિટલ નિંદાને પાત્ર બની હતી કારણકે સત્તાધીશોએ દર્દીઓના સગાવ્હાલાઓને સારવાર માટે દવા લેવા મોકલ્યા હતા. સોમવારે હોસ્પિટલ સત્તાધીશોએ કહ્યું કે, તેમની પાસે સારવાર માટે દવાનો પૂરતો જથ્થો છે અને ટ્રીટમેન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ નજર છે.
કાંકરિયાની દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ખાડિયા-જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સોમવારે વિધાનસભામાં કાંકરિયાની દુર્ઘટના મુદ્દે સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી તેમને મળી નહોતી. ધારાસભ્ય ખેડાવાલાએ આ મુદ્દે મંજૂરી માગતા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, આ પ્રસ્તાવ તેમના ધ્યાનમાં જ છે અને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માર્ગ અને બિલ્ડિંગ વિભાગને કાંકરિયાના અમ્યુઝમેન્ટ પાર્કમાં બંને ઝોનમાં આવેલી તમામ રાઈડની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, માર્ગ અને બિલ્ડિંગ વિભાગ તરફથી ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી કાંકરિયાની તમામ રાઈડ્સ બંધ રહેશે.