ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી છે. એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. એની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી, એમ છતાંય તેઓ દરિયામાં ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ
વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં માવઠાને કારણે એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ગગડ્યું છે. સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાને કારણે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. દીવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે એક ખલાસીનું દરિયામાં મોત થયું હતું, તો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું. આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
આજે રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..