108ની ટીમના કાર્યથી 7 માસની બાળકીનો બચ્યો જીવ, હ્રદયના ધબકારા ઘટી જતાં 108ની ટીમે 5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડી

તાત્કાલિક સેવા તરીકે કામ કરતી 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 મહિનાની હ્રદય રોગની બાળકીને તાત્કાલિક સુરતથી અમદાવાદ પહોંચાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ કલાકમાં 271 કિલોમીટરનું અંતર કાપીને એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી. રસ્તામાં બાળકીને એમ્બ્યુલન્સમાં ઈન્જેક્શન આપવાની સાથે બોટલ પણ ચડાવવામાં આવી હતી. 108ની સરાહનીય કામગીરીથી બાળકીનો જીવ બચી ગયાની લાગણી પરિવારે વ્યક્ત કરી હતી.

બાળકીના હ્રદયના ધબકારા ઘટી ગયેલા

09/08 2019ના અંદાજે પોણા પાંચ વાગ્યા આસપાસ માનદરવાજા લોકેશનની 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. જેથી તેઓ તાત્કાલિક હીરાબાગ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. હીરાબાગની ખાનગી હોસ્પિટલમાં હેમાંશી ધર્મેશ ચૌહાણ(ઉ.વ.આ.7માસ)ની સારવાર ચાલી રહી હતી. પરંતુ હ્રદયના ધબકારા ઘટી ગયા હોવાથી તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલ ખાતે લઈ જવી પડે તેમ હતી. ઈએમટી વિશાલ પડશાળા અને પાઈલોટ નિલેશ રાઠવાએ પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણના માર્ગદર્શનમાં બાળકીને અમદાવાદ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

પાંચ કલાકમાં પહોંચ્યા અમદાવાદ

108ની ટીમે બાળકીને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં તેના ધબકારા ઘટી ગયા હતાં. ત્યારબાદ ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી ગયું હતું.જેથી ઈએમટી વિશાલે તાત્કાલિક બાળકીને એડ્રેનાલિન ઈન્જેક્શન આપી ધબકારા વધાર્યા હતાં. ચાલુ એમ્બ્યુલન્સે બાળકીની વેઈન(શરીરની નસ) પકડીને બોટલ ચઢાવી હતી. ત્યારબાદ એમ્બ્યુજ બેગથી સતત કૃત્રિમ શ્વાસ આપી ઓક્સિજન પ્રમાણ પણ નોર્મલ લાવવામાં સફળ રહ્યો હતો.

બાળકીને હોસ્પિટલ પહોંચાડાઈ

બાળકીને 5 કલાક 10 મિનિટમાં સુરતથી અમદાવાદની હોસ્પિટલ પહોંચાડાઈ હતી. હોસ્પિટલમાં તાત્કાલિક બાળકીની સફળ સર્જરી કરવામાં આવી હતી. જેથી હાલ બાળકીની તબિયત સ્વસ્થ છે.અણીના સમયે 108 એમ્બ્યુલન્સે દેવદૂતનું કામ કર્યુ હોવાનું કહેતા ધર્મેશ ચૌહાણે ઉમેર્યું હતું કે, આ સેવાના કારણે મારી બાળકીનો જીવ બચી શક્યો છે. જેથી આભાર માનું તેટલો ઓછો કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો