મેટ્રો સિટીમાં રહેતા આજના કોઈ યુવાનો ખેતી પ્રત્યે રસ દાખવતા નથી અને ના તો કોઈ યુવાન ખેતીને વ્યવસાય તરીકે અપનાવવા માગે છે. પરંતુ આ કિસ્સામાં જોશુઆ લુઈસ અને સકીના રાજકોટવાલા અપવાદરૂપ છે. મુંબઈમાં રહેતું આ કપલ ઓર્ગેનિક રીતે ખેતી કરી તાજાં શાકભાજી ઉગાડે છે.
2017માં લુઇસ અને સકીના પોંડિચેરી ગયાં હતાં, જ્યાં તેઓ ઈંગ્લેન્ડમાં રહેતા કૃષ્ણા મેકેન્ઝીને મળ્યા હતા. કૃષ્ણા છેલ્લાં 25 વર્ષથી પ્રકૃતિ સાથે જોડાઇને વનસ્પતિઓ, ફૂલો, ફળો, શાકભાજી, તેલીબિયાં, અનાજ અને કઠોળની 140થી વધુ જાતો છ એકર જમીનમાં ઉગાડતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈ મુંબઇ પરત ફરી લુઇસ અને સકીનાએ ‘હર્બીવોર ફાર્મ્સ’ નામનું એક ફાર્મ શરૂ કર્યું. આ મુંબઈનું પ્રથમ હાઇપરલોકલ હાઇડ્રોપોનિક્સ ફાર્મ છે, જ્યાં 2,500થી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે. આ ફાર્મમાંથી તાજા અને કાર્બનિક શાકભાજીનો સપ્લાય થાય છે.
મુંબઇમાં તાજાં અને ઓર્ગેનિક શાકભાજીઓ પૂરાં પાડનાર આ દંપતીએ જણાવ્યું કે, ‘હર્બીવોર ફાર્મ્સ મુંબઈનું પહેલું આવું ઓર્ગેનિક ફાર્મ છે. તે અંધેરી ઈસ્ટમાં આવેલું છે. અમે પાંદડાંવાળાં લીલાં શાકભાજી ઉગાડીએ છીએ. તેમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે.’ હાઇડ્રોપોનિક્સ એ એવી પદ્ધતિ છે જેમાં શાકભાજી ઉગાડવા માટે માટીની જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. છોડનાં મૂળ પાણીમાં ડૂબેલાં હોય છે અને એક કેમિકલ દ્વારા તે છોડને ઊર્જા મળતી રહે છે. તેને ઘરની અંદર અથવા છત પર મૂકવામાં આવે છે. દર મહિને ઓર્ગેનિક શાકભાજી ઉગાડી આ કપલ વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરે છે.
હર્બીવોર ફાર્મ 1000 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્થિત છે. અહીં શાકભાજી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારનાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેથી તે ખાવાથી આરોગ્ય પર કોઈ ખરાબ અસર નથી થતી. આ શાકભાજી ઉગાડવા માટે સામાન્ય કરતાં 80 ટકા પાણીનો વપરાશ ઓછો થાય છે. જે પાણીમાં શાકભાજી ઉત્પન્ન થાય છે તેમાં છોડના વિકાસ માટે ઘણા પ્રકારના સૂક્ષ્મ પોષક પદાર્થોની હાજરી હોય છે. અહીં છોડને જે રીતે રાખવામાં આવે છે તેનાથી સામાન્ય ખેતી કરતાં પાંચ ગણી વધુ શાકભાજી ઊગે છે. ગ્રાહકોને થોડાક જ કલાકોમાં તે શાકભાજી ડિલીવર પણ થઈ જાય છે.