1000 રૂપિયા લઇને યુએસ ગયા હતા, આજે આ બે પટેલની છે 13000 કરોડની કંપની
અમેરિકામાં અનેક ગુજરાતીઓ બિઝનેસમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. માત્ર થોડાક રૂપિયા લઇને અમેરિકા ગયેલા ગુજરાતીઓ આજે કરોડો ડોલરમાં આળોટી રહ્યા છે. આવા જ બે ગુજરાતી ભાઇઓ છે ચિરાગ અને ચિન્ટુ પટેલ. ચિરાગ અને ચિન્ટુ પટેલની કંપની એમ્નિલ ફાર્માસ્યૂટિકલ્સ અમેરિકામાં પાંચમા ક્રમની સૌથી મોટી જેનેરિક દવાઓ બનાવતી કંપની છે. જેનું કુલ ટર્નઓવર 2 બિલિયન ડોલર (અંદાજે 12,800 કરોડ રૂપિયા) જેટલું છે. યુએસમાં 5 ટકા ડોક્ટર્સ પોતાના દર્દીઓને પટેલ બ્રધર્સની કંપનીની જ દવાઓ પ્રિસ્કાઇબ કરે છે.
1000 રૂપિયા લઇને અમેરિકા ગયા
ચિરાગ અને ચિન્ટુ પટેલના પિતાજી કનુભાઇ પટેલ 1987માં માત્ર 1000 રૂપિયા લઇને અમેરિકા ગયા હતા. કનુભાઇએ ભારતમાં ડ્રગ રેગ્યુલેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. કનુભાઇ પટેલ 45 જેટલા લોકોના સંયુક્ત કટુંબમાં રહીને મોટા થયા હતા. અમેરિકા ગયા બાદ કનુભાઇના દિકરા ચિરાગે આઇટી સેકટરમાં કેટલાક સ્ટાર્ટઅપ શરૂ કર્યા જ્યારે ચિન્ટુ પટેલે પિતાના માર્ગે ચાલીને ફાર્મા કંપની શરૂ કરી. તેમના ફાર્માસિસ્ટ તરીકેના સમય દરમ્યાન જેનેરિક સબ્સ્ટિટ્યુશન રેટ 40 ટકાની આસપાસ હતો. ચિન્ટુ પટેલે લોકોને વ્યાજબી ભાવે દવાઓ આપી અને પિતાજીના માર્ગદર્શન હેઠળ અને ભાઇના સપોર્ટથી એમ્નિલની સ્થાપના કરી. આજે એમ્નિલ પાસે યુએસ એફડીએ દ્ધારા મંજૂર 140 કરતાં વધુ જેનેરિક દવાઓ છે. એમ્નિલ વિશ્વની સૌથી ઝડપી ગ્રોથ દર્શાવતી ફાર્મા કંપની છે. જેના અમેરિકા, યુરોપ અને એશિયામાં કુલ 5000 કરતાં વધુ કર્મચારીઓ છે.