બિગ બીની દરિયાદિલી, પુલવામા હુમલામાં શહીદ થયેલા દરેક જવાનોના કુંટુંબને 5 લાખની મદદ કરશે
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનારા 40 શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ દરેક શહીદના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરશે, એટલે કે 2 કરોડ રૂપિયાની મદદ બિગ બી કરશે.
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આતંકી હુમલાથી દુખી છે. અમિતાભ બચ્ચને શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ પુષ્ટી કરી છે કે, બિગ બી દરેક શહીદના જવાનના પરિવારને 5 લાખની મદદ કરશે. હાલમાં આ પ્રક્રિયા કેવી રીતે કરાશે તે અંગે વિચારણા ચાલી રહી છે. પ્રવક્તાએ જણાવ્યુ કે, આ ઘટનાથી દુખી અમિતાભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશના 850થી વધુ ખેડૂતોનુ દેવુ ચૂકવવા માટે મદદ કરી હતી. ખેડૂતોને દેવુ ચૂકવવા તેમણે 5.5 કરોડ રૂપિયા આપ્યા હતા. અમિતાભે પોતાના બ્લોગ પર આ વિશે જાણકારી આપી હતી.
જણાવી દઇએ કે, 14 ફેબ્રુઆરીએ સાંજે જમ્મૂ-કશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં 40થી જવાનોએ જીવ ગુમાવ્યો. આ ઘટનાથી દેશ આખો હચમચી ઉઠ્યો છે. દરેક વ્યક્તિ શહીદોને સલામ કરી રહ્યો છે અને સરકારને કડકમાં કડક પગલા લેવાની અપીલ કરાઇ છે. આ ઘટના પર બોલિવુડના એક્ટર્સે પણ રોષ વ્યક્ત કર્યો અને સરકાર પાસે કઠોર કાર્યવાહીની માગ કરી.
પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં 44 સૈનિકો શહીદ થવાની ઘટનાને પગલે રાજ્યભરમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા લાખો રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ લોકો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાંથી વધુ સહાય જાહેર થશે તેમાં બે મત નથી