વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ, રાજ્યમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ થયા

કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો.

મંગળવારે દિવસ દરમિયાન ચાર દર્દીને હાશકારો અનુભવાયો હતો. કારણ કે એકને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે જવાનું કહ્યું, જ્યારે અન્ય એક યુવાનને આજવાની ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં મોકલાયો હતો. જ્યારે બેના રિપોર્ટ 24 કલાકમાં નેગેટિવ આવ્યા હતા.

હાલમાં આ કોરોનાની 7 પોઝિટિવ વ્યક્તિઓ

SSGના આઇસોલેશન વોર્ડમાં 7 પોઝિટિવ વ્યક્તિ સારવાર લઇ રહી છે. જેમાં મકરપુરાની ઋષિકેશ સોસાયટીના ચિરાગ હરીશ પંડિત (ઉવ.49), શૈલેન્દ્ર હસમુખ દેસાઇ (ઉવ.52), ભૂમિકા સમીર દેસાઇ (ઉવ.29), નિલિમા શૈલેન્દ્ર દેસાઇ(ઉવ.46), સારંગી શૈલેન્દ્ર દેસાઇ (ઉવ.27), સમીર શૈલેન્દ્ર દેસાઇ (ઉ.વ.32) રેખા નટવરભાઇ શેઠ (ઉવ.62)નો સમાવેશ થાય છે.

24 કલાકમાં 1 કેસ પોઝિટિવ, 7 નેગેટિવ

અકોટા નવાવાસ વિસ્તારમાં રહેતા હુસેનાબેન ઐયુબભાઇ રાઠોડ (ઉવ.55)ને કોરોના વોર્ડમાંથી રિપોર્ટ નોર્મલ(નેગેટિવ) આવતાં ઇમર્જન્સી મેડિસિન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે હનીફાબેન યુસુફભાઇ ખત્રી(ઉવ.57, રહે. બહાર કોલોની આજવા, આજવારોડ)નો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજવા રોડની જ વલ્લભ સોસાયટીમાં રહેતા મિતેશ રમેશભાઇ મકવાણા(ઉવ.31)ને પણ ઇમર્જન્સી મેડિસિન વોર્ડના 6ઠ્ઠા માળે સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જ્યારે છ પોઝિટિવ લોકો સારવાર લઇ રહ્યાં છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 8 સેમ્પલમાંથી 7 સેમ્પલ નેગેટિવ આવ્યાં હતા જ્યારે એકનો રિપોર્ટ આવવાનો બાકી છે. નિઝામપુરના બિલ્ડર શ્રીલંકાથી પરત આવ્યા બાદ તેમનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. અગાઉ ત્રણ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ એક સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ

રાજકોટમાં આજે વધુ 2 કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. આજે આખા દિવસમાં એક પણ કેસ નોંધાયો નહોતો ત્યારે લાગતું હતું કે રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર છે. આવામાં રાજકોટના 2 દર્દીઓના રિપોર્ટ જામનગર જી.જી. હોસ્પિટલમાં તપાસ માટે મોકલાયા હતાં. કુલ 22 દર્દીઓના રિપોર્ટ પરીક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી 2ના પોઝિટિવ આવ્યાં હતાં. આ બંને દર્દીઓમાં એક 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલા દર્દીનો સમાવેશ થાય છે.

કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગી ગયો, શોધખોળ બાદ હાજર થયો અને બોલ્યો, ‘ સાહેબ હું તો નહાવા ગયો હતો’

એસએસજીમાં કોરોના આઇસોલેશન વોર્ડની બહાર બિનજરૂરી અવર-જવર ન થાય તે માટે પોલીસ જવાનો તૈનાત રહે છે. કોરોના વોર્ડની બહાર પણ સિક્યુરિટી જવાનોની ડ્યૂટી છે. આ સુરક્ષાને ભેદીને એક કોરોનાનો શંકાસ્પદ દર્દી વોર્ડમાંથી ગાયબ થઇ જતાં આરોગ્ય વિભાગના તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત સૌના હોશકોશ ઊડી ગયા હતા. કારણ કે, આ દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી હતો. આ બાબતની જાણ એમએલઓને કરાતાં રાવપુરા પોલીસને મોડે મોડે કરવામાં આવી હતી. પણ ત્યાં સુધીમાં ફરાર શંકાસ્પદ દર્દી પરત આવી ગયો હતો. તેણે પોતાની કેફિયતમાં જણાવ્યું હતું કે, ‘સાહેબ હું તો નહાવા ગયો હતો…’ દર્દીને પરત સારવારમાં લઇ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીએ કોરોના વોર્ડની ફરતે વાડ કરવાનું સૂચન કર્યું હતું. તેને ત્રણ દિવસ વીતી ગયા છે. આ ફરાર દર્દી એસએસજીના જ ચોથા વર્ગના કર્મચારીનો પુત્ર ભરત હોવાનું જાણવા મળે છે. જેની શંકાસ્પદ હાલતના પગલે એસએસજીમાં દાખલ કરાયો હતો.

એસએસજીમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાયો

એસએસજીમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ થઇ ચૂક્યો છે. સોમવારે આ સુવિધા ચાલુ કરીને 3 સેમ્પલ ચકાસાયા હતા. આજના દિવસે વધુ 10 સેમ્પલની ચકાસણી કોરોના લેબમાં કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટ સચોટ છે કે નહીં તેની ખાતરી માટે સમાંતરે અમદાવાદ પણ નમૂના મોકલાયાં છે.

સેન્ટ્રલ જેલના કેદીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સોમવારે રાત્રે સેન્ટ્રલ જેલના એક કેદીની તબિયત કથળતા અને કફ-ખાંસી શરદી થતાં તેને કોરોના સસ્પેક્ટેડ તરીકે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. અમદાવાદથી પાસામાં ગુરુવારે વડોદરા જેલમાં લવાયો હતો. તેના માતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ અધિકારીને મળ્યાં હતા. જોકે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.

સાહેબ મને ખાંસી-શરદી થઇ છે, કોરોના જેવું લાગે છે

કોરોનાના ભયના માહોલ વચ્ચે એવા પણ કેટલાક લોકો છે, જેમને સહેજ ખાંસી-શરદી કે છીંક આવે તો પણ કોરોનાની દહેશતથી થથરી ઊઠે છે. સાવધાની રાખવી ચોક્કસ સારી બાબત છે પણ ઘરમાંથી માંડ બહાર નીકળતા હોય તેવા લોકોમાં કોરોના-કોરોના સાંભળીને તેનો ભય મનમાં ઘૂસી ગયો છે. એસએસજીમાં સ્ક્રિનિંગ માટે આવતા ઘણા ખરા લોકો આવી માનસિકતાથી દોડી આવે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ સેવા 108ને પણ આવા ફોન આવતાં તેઓ વિમાસણમાં મૂકાઇ જાય છે. 108 એમ્બ્યુલન્સ સેવા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ‘કેસો વધ્યા છે એવું ચોક્કસપણે ન કહી શકાય, પણ આવા કેસોના ફોન આવે છે ત્યારે જો અમારા સવાલમાંથી બેનો જવાબ અમારા ફોર્મેટથી મેચ થતો હોય તો અમે તેમને કોરોના એમ્બ્યુલન્સ આપીએ છીએ.’ મેડિસિનના તબીબો કહે છે કે, આ સ્થિતિમાં વધુ વિચારવા કરતા કે જાતે દવાઓ લેવા કરતા એકવાર તબીબને બતાવીને ખાતરી કરી લેવી જોઇએ. મહિલાઓ અને વૃદ્ધોમાં આવા માનસિક આવેગો વધુ જોવા મળે છે.

ગોત્રી હોસ્પિ.માં વેન્ટિલેટર માટે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

કોરોનાના પગલે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો કરવાના ઉદ્દેશ સાથે વડોદરાનાં સાંસદે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જીએમઇઆરએસ, ગોત્રી ખાતે વેન્ટિલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે વર્ષ 2019-20 અંતર્ગત રૂ.1 કરોડનું અનુદાન સાંસદ અને શહેર ભાજપ અધ્યક્ષ રંજનબહેન ભટ્ટે ફાળવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલને આ ગ્રાન્ટની રકમ ફાળવતાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્યતંત્ર સતત કાર્યરત છે ત્યારે ગોત્રી સ્થિત જીએમઇઆરએસ ખાતે વેન્ટિલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓના ભાગરૂપે આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આ અનુદાન લોકસેવા માટે ઉપયોગી નીવડશે.નાગરિકોની સુખાકારી માટે તેઓ તત્પર છે અને હજુ પણ કોઇ આવશ્યકતા હોય તો તેઓ સહાય કરશે.

લોકોએ વસ્તુઓ ખરીદવા લાઇનો લગાવી

વડોદરામાં વડોદરામાં લોકડાઉન દરમિયાન છાણી પોલીસની બર્બરતા સામે આવી છે. વડોદરા શહેરના કેનાલ રોડ પર આવેલી ચરોતર નગર સોસાયટીમાં ઘૂસીને યુવકને ઘરમાંથી કાઢીને લાકડી વડે ઢોર માર માર્યો હતો. કલમ-144નો ભંગ કરતા હોવાનો આક્ષેપ કરીને પોલીસે યુવકને માર માર્યો હતો. ફિરોઝ નામના યુવક ને શરીર પર નિશાન પડી ગયા હતા. પી.એસ.આઈ ડાંગર દ્વારા માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં યુવકને ઘરમાંથી હાથ પકડીને બહાર લાવીને લાકડી 10 ફટકા માર્યા હોવાનું દેખાય છે. છાણી પોલીસે ગુરુદ્વારામાં ઘુસીને સેવકોને માર માર્યો હતો અને સેવકો સાથે માથાકૂટ પણ કરી હતી. સેવકોને ગુરુદ્વારામાં પુરાઇ રહેવા માટે દબાણ કર્યું હતું. કલમ-144નો ભંગ કરતા હોવાનો ગુરુદ્વારાના સેવકો પર આક્ષેપ લગાવ્યો હતો.

પોલીસકર્મીએ યુવાન ઉપર ડંડાવાળી કરી

વડોદરા શહેરના અભિલાષા ચાર રસ્તા પાસે પોલીસે ઘરની બહાર નીકળેલા બાઇકસવાર યુવાનને લાકડીઓ ફટકારી હતી. પોલીસકર્મીએ યુવાનેચારથી પાંચ દંડા મારતા બાઇકચાલક ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસે વડોદરા શહેર જિલ્લામાં 44 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. અને 40 લોકોની અટકાયત કરી છે.વડોદરા શહેરના નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા3 વેપારીઓને પોલીસે ફટકાર્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી.

પોલીસે1 હજારથી વધુ વાહનો ડિટેઇન કર્યા

વડોદરા શહેરની તમામ ચેકપોસ્ટ અને ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે. અને જીવન જરૂરીયાત અને ઇમર્જન્સી સેવા સિવાય બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પોલીસે 1 હજારથી વધુ વાહનો ડિટેઇન કર્યાંછે.

વિવિધ બહાના હેઠળ ફરવા નીકળેલા 40 લોકોની અટકાયત

પોલીસેવિવિધ બહાના હેઠળફરવા નીકળેલા40 લોકોની અટકાયત કરી છે. વરણામા પોલીસ સ્ટેશનમાં 4, સમા પોલીસ સ્ટેશનમાં 10, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 3, વાડી પોલીસ સ્ટેશનમાં 7, માંજલપુર પોલીસ સ્ટેશનમાં 4, મકરપુરા પોલીસ સ્ટેશનમાં 4, ફતેગંજ પોલીસ સ્ટેશન 5, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 3 અને ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 વ્યક્તિની અટકાયત કરી છે.

લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી કરી દીધા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને શંકાસ્પદ કોરોના વાઈરસના 7 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. જેને પગલે આખુ વડોદરા શહેર લોકડાઉન છે. વડોદરા શહેરના ગોરવા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી દીધા છે. જેને પગલે વડોદરા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાય તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રહ્યા છે.વડોદરા નજીક આવેલા કેલનપુર ગામમાં સામાજિક પ્રસંગ યોજીને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

પોલીસે વાહન ચાલકોને ખખડાવ્યા

ભરૂચમાં લોકડાઉનને પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, પરંતુ ભરૂચસ્ટેશન સર્કલ પાસે કેટલાક લોકો બહાર નીકળતા પોલીસે કડક બનીને ઉઠક બેઠક કરાવી હતી. પોલીસે બહાર નીકળનાર વાહન ચાલકોને ખખડાવ્યા હતા.

પાલિકાએ સેનેટાઇઝરનો છંટકાવ કર્યો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગેવડોદરા શહેરના માંડવી, ન્યાયમંદિર અનેરાવપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો