અક્ષય કુમારની ‘દરિયાદિલી’, 100 દુલ્હનોને સમુહ લગ્નમાં આપ્યા 1-1 લાખ રૂપિયા

છેલ્લા થોડા સમયથી અક્ષય કુમાર સતત એક પછી એક સમાજસેવાનાં કામોમાં પ્રવૃત્ત રહેતો દેખાઈ રહ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા આ સ્ટારે પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી હતી. હવે એણે એક ચેરિટી ઈવેન્ટમાં 100 નવવધૂઓને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી.

વાસ્તવમાં, અક્ષયે એક આર્થિક રીતે અક્ષમ પરિવારોનાં સમૂહલગ્નમાં હાજરી આપી હતી. ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. આ સમૂહલગ્ન ઉત્સવનું આયોજન ગયા અઠવાડિયે સ્વ. ગોપીનાથ મુંડે પ્રતિષ્ઠાન દ્વારા મધ્ય મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા પરલી વૈજનાથ ખાતે કરવામાં આવ્યું હતું. આ તમામ નવદંપતીઓ પોતાનાં લગ્નજીવનની સુખેથી શરૂઆત કરી શકે તે માટે અક્ષય કુમારે તે દરેક કપલને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. આ રીતે અક્ષયે એક ઝાટકે 1 કરોડ રૂપિયાની મદદ જાહેર કરી. સ્વાભાવિક રીતે જ અક્ષયની આ ઉદાર ભાવનાની ચારેકોર વાહવાહી થઈ રહી છે. જોકે કેટલાક લોકો અક્ષયનાં આ સામાજિક કાર્યોને ‘પ્રોપેગન્ડા’ કહીને તેની ટીકા પણ કરી રહ્યા છે.

‘કેસરી’ પછી ‘ગુડ ન્યૂઝ’માં દેખાશે:

અત્યારે અક્ષય કુમાર પોતાની 21 માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘કેસરી’ના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. તેના ટ્રેલરે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. આ ઉપરાંત અક્ષય કરીના કપૂર સાથે ‘ગુડ ન્યૂઝ’ નામની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. તેમાં અક્ષય અને કરીના ઉપરાંત કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ જેવા સ્ટાર્સ પણ હશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો