સોસાયટી અને ફેક્ટરીઓ માટે AMCના જુદા જુદા ધોરણો! ગંદું પાણી છોડે તો બે સોસાયટીને 20 લાખનો દંડ, ફેક્ટરી ઝેર છોડે તો માફ!
સોસાયટીનું ગંદુ પાણી રોડ પર આવે તો 20 લાખનો દંડ ફટકારનાર મ્યુનિ. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ઠાલવનાર સામે ભેદી રીતે ચૂપ છે. આ અંગે સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ડ્રેનેજમાં પ્રદુષિત પાણી ઠાલવનારાઓ ચોરી છુપીથી આ કામ કરે છે. આમ છતાં તેઓ પકડાય ત્યારે તેની સામે પગલાં લઈએ છીએ. આવા તત્વો સામે ક્લોઝર સહિતના પગલાં લેવા માટે જીપીસીબીને અધિકાર છે, અમારી પાસે અધિકાર નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રદૂષણ મામલે સરકારના જ બે વિભાગોના કેવા બેવડાં ધોરણ છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળે છે. રામોલ-હાથીજણની બે સોસાયટીઓના ખાળકૂવાનું પાણી રોડ પર આવતાં મ્યુનિ.એ આ સોસાયટીઓને 20-20 લાખનો દંડ ફટકાર્યો છે. પરંતુ આ જ અમદાવાદની એક હજાર કરતાં વધુ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં છોડીને પ્રદુષિત કરે તો એએમસી કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તેમની સામે આંખ આડા કાન કરી રહ્યા છે. આમ એક સોસાયટીનું ગંદુ પાણી રસ્તા પર ફેલાતું નજરે ચડે તો સત્તાવાળા વીસ લાખનો દંડ ફટકારી દે છે. પરંતુ અનેક કેમિકલ ફેક્ટરી બેફામપણે ઝેરી અને પ્રદૂષિત પાણી નદીમાં છોડતી રહે તો કોઈ જ પગલાં નથી. આમ, એએમસી સહિતના સત્તાવાળાઓ જે છીંડે ચઢે તેને જ ચોર ગણીને દંડવાનો ભ્રષ્ટાચારી નિયમ બનાવી બેઠી હોય તેમ લાગે છે.
મંગળવારે રામોલ-હાથીજણ વિસ્તારમાં આવેલી ધી ધર્મવાટિકા અને બાલેશ્વર સિલ્વરલાઈન હાઉસિંગ સોસાયટી નામની બે સોસાયટીમાંથી ખાળકૂવાનું પાણી ઉભરાઈને રોડ પર વહી જતું હતું. આ રીતે જાહેરમાં ગંદુ પાણી છોડીને ટીપી રોડને નુકસાન પહોંચાડવા બદલ તેમજ ગંદુ પાણી રોડ પર આવે તો રોગચાળો ફેલાવાની દહેશતને ધ્યાને લઈ મ્યુનિ.એ બન્ને સોસાયટીને 20-20 લાખનો દંડ ફટકાર્યો છે.
મ્યુનિ.ના આ પગલાંથી શહેરના બુદ્ધિજીવી વર્ગમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે જો તંત્ર એક રોડ બગાડનાર સોસાયટીને તોતિંગ દંડ ફટકારતું હોય તો સાબરમતી નદી, ખારીકટ કેનાલ, શહેરની ગટરો બગાડનાર 1047 જેટલી ફેક્ટરીઓ સામે પગલાં લેવામાં તંત્ર કેમ આંખ મિચામણા કરે છે? શહેરના વટવા, ઓઢવ, નરોડા, નારોલમાં 1047 કરતાં વધુ કેમિકલ ફેક્ટરીઓ અને પ્રોસેસ હાઉસ આવેલા છે. આ ઉપરાંત દાણીલીમડામાં 650 કરતાં વધુ પ્રોસેસ હાઉસ ધમધમી રહ્યાં છે.
આ બધાનું રોજનું 150 એમએલડી કરતાં વધુ પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. પ્રદુષણની નિયત માત્રા કરતાં લગભગ બે ગણું પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં આવે છે. જેના લીધે સાબરમતીના કાંઠા વિસ્તારના ગામોની ખેતી, પાણીના તળ, જન આરોગ્ય, પશુઓને, જમીન અને જળચર સૃષ્ટિને અક્ષમ્ય નુકસાન થયું છે. જો કોઈ સોસાયટી રોડ પર ગંદુ પાણી છોડે તો મ્યુનિ. તેને 20 લાખ જેવો માતબર દંડ કરી શકતી હોય તો આખેઆખી સાબરમતી નદી અને સમગ્રતઃ પર્યાવરણને ખેદાનમેદાન કરનાર ફેક્ટરીઓ સામે પગલાં ભરતાં નથી. આ જ દર્શાવે છે કે જીપીસીબી- એએમસી અને ફેક્ટરી માલિકો વચ્ચે કેટલી હદે મેળાપીપણું ચાલી રહ્યું છે. આ અંગે પ્રતિક્રિયા લેવા જીપીસીબીના ચેરમેન સંજીવકુમાર, મેમ્બર સેક્રેટરી એ.વી.શાહ સહિતના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..