અમેરિકા મોકલવા કરોડો ખંખેરતા એજન્ટો: કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા પરિવારે એજન્ટ સાથે કર્યું હતું 1.65 કરોડનું સેટિંગ
અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષાને કારણે બરફના મોતની ચાદરમાં પોઢી ગયેલા ગાંધીનગર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના અકાળે મોતના સમાચાર વહેતા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગામમાં વહેતી થયેલી વાતો મુજબ પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું, એટલે કે અમેરિકા ઊતર્યા પછી જિજ્ઞેશ પટેલ ફોન કરીને જાણ કરવાનો હતો, પરંતુ ફોનની રાહ જોઈને બેઠેલા પરિવારને તેના મોતના સમાચાર મળતાં તેમનાં પર આભ તૂટી પડયું છે.
ગાંધીનગરના કલોલમાં આવેલાં ગામડાં પાટીદાર 42 ગામ સમાજ તરીકે ઓળખાય છે, જેમાં નારદીપુર, ડિંગુચા, મોખાસણ, ભાદોલ અને ઝુલાસણ સહિતનાં ગામડાં ડોલરિયા ગામ તરીકે જાણીતાં છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં ગમે તે ભોગે વિદેશ જવાનો ક્રેઝ સૌથી વધુ છે. જે રીતે ચરોતરમાં ધર્મજ ડોલરિયા ગામ તરીકે ઓળખાય છે એ રીતે કલોલનાં ગામડાં પણ ડોલરિયા ગામ કહેવાય છે. જોકે શોર્ટકટથી વિદેશ પહોંચવાની લાયમાં ઘણીવાર પકડાઈ જવાના કે મોતને ભેટવાના બનાવો બનતા રહે છે. આવી જ કરુણ ઘટના ડિંગુચાના પટેલ પરિવાર સાથે ઘટતાં સમગ્ર પંથકમાં સોંપો પડી જવા પામ્યો છે.
ડિંગુચામાં રહેતો પરિવાર ઘર બંધ કરીને અજ્ઞાત સ્થળે જતો રહ્યો
ગાંધીનગરના કલોલ તાલુકાના ડિંગુચા ગામના મૂળ વતની જગદીશભાઈ બળદેવ ભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા (ગોપી) અને પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ પિતા બળદેવભાઈને કેનેડા જતા હોવાની વાત કરીને નીકળ્યા હતા. જોકે નસીબે સાથ ન આપતાં તેઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી શક્યાં ન હતાં અને ભારે હિમવર્ષાને કારણે ગ્રુપમાંથી છૂટા પડી ગયા હતા અને બરફની ચાદર નીચે મોતને ભેટયાં હતાં, જેને કારણે ડિંગુચામાં રહેતા બળદેવભાઈ પટેલ સહિતનો પરિવાર હાલમાં ઘર બંધ કરીને અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે.
હૃદય હચમચાવી નાખતી કરુણ ઘટનાના સમાચાર ગામમાં પ્રસરી જતાં ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રામજનો સાથે વાતચીત કરતાં આંચકાજનક વાતો વહેતી થઈ છે, જેમાં પટેલ પરિવારે સ્થાનિક એજન્ટ સાથે અમેરિકા બોર્ડર ક્રોસ કરવા માટે 1 કરોડ 65 લાખ નક્કી કર્યા હતા. એજન્ટે ઉત્તરાયણ પછી પરિવારને તૈયાર રહેવા પણ જણાવ્યું હતું અને પરિવાર બારેક દિવસ અગાઉ નક્કી થયેલા ગ્રુપમાં રવાના પણ થઈ ગયો હતો, એટલે જ તો પરિવારના મોભી બળદેવભાઈ પટેલને પુત્ર જગદીશ સાથે કોણ કોણ ગયું છે એની ચોક્કસ માહિતી નથી.
પહોંચ્યા પછી એજન્ટને બાકીના પૈસા ચૂકવવાના હોય છે
અમેરિકાની બોર્ડર ક્રોસ કર્યા પછી જયેશ હેમખેમ પહોંચી ગયો હોવા અંગે ટેલિફોનિક જાણ કરવાનો હતો અને પછીથી એજન્ટને પૈસાની ચુકવણી કરી દેવાની રહેતી હોય છે, પરંતુ એ પહેલાં જ આખો પરિવાર ભારે હિમવર્ષામાં દટાઈને મોતને ભેટયો હોવાના અહેવાલો આવતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. ત્યારે વધુ વહેતી થયેલી વાતોથી ચોંકાવનારી વિગતો એવી પણ ચર્ચાઈ રહી છે કે કપલ તેમજ એક બાળક હોય તો એજન્ટ 1 કરોડ 20 લાખ સુધીનો ભાવ લેતો હોય છે અને સભ્ય વધે તો વધુ 30થી 35 લાખ રેટ વધી જતો હોય છે.
રાતના અંધકારમાં અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવાય છે
એજન્ટ એટલો બધો વિશ્વાસપૂર્વક કામ કરતો હોય છે કે બોર્ડર ક્રોસ કર્યા પછી પેમેન્ટ લેતો હોય છે, જેનું સેટિંગ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદના મોટા ગજાના એજન્ટો સાથે સંપર્ક હોય છે. સામાન્ય રીતે યુરોપ કન્ટ્રી થઈને કેનેડા બોર્ડર સુધી પહોંચાડી દેવાય છે. જ્યાંથી ત્યાંના એજન્ટનો કાળિયો માણસ બધાને ગાડીમાં બેસાડીને રાત્રિના અંધકારમાં અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી લેતો હોય છે. અહીંથી બધાના મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય.
પકડાઈ જાય તોપણ એજન્ટનો વકીલ રેફ્યુજીનો કેસ લડતો હોય છે
બાદમાં જો કોઈ પેસેન્જર પકડાઈ જાય એટલે વિદેશના કાયદા મુજબ તેને ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવાય છે. જ્યાં પેસેન્જરને રેફ્યુજી તરીકે સંબોધવામાં આવે છે, એટલે અગાઉથી નક્કી થયેલો એજન્ટનો બેરિસ્ટર (વકીલ) રેફ્યુજીનો કેસ લડતો હોય છે. ત્યારે ડિંગુચાના પટેલ પરિવારને સ્થાનિક એજન્ટે કેનેડા સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આમ, ગેરકાયદે રીતે વિદેશમાં ઘુસાડવાનું આયોજનબદ્ધ રેકેટ ચાલતું હોય છે. જ્યાંથી આગળનો એજન્ટ આ બધાને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાનો હતો. જો કમનસીબે અચાનક બોર્ડર પર ભારે હિમવર્ષા શરૂ થઈને કરુણ ઘટના ઘટી ગઈ હતી. જ્યારે અન્ય સાતેક લોકોને ત્યાંની પોલીસે ઝડપી લીધા હતા. નોંધનીય છે કે આ સમગ્ર બાબતે દિવ્ય ભાસ્કર સમર્થન આપતું નથી.
DGPએ સીઆઇડી ક્રાઇમમાં dysp કક્ષાના અધિકારીને તપાસ સોંપી :S. તલાટી પાસેથી પોલીસ ગુમ થનાર જગદીશ પટેલ અને તેના પત્નીના મતદાર યાદીમાં નામ સહિતની વિગતો લઈ જવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..