સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો
ઘણા માતા – પિતા છે જેઓ તેમનાં નાસમજ બાળકોને જબરદસ્તીથી નમસ્કાર કરાવે છે. બાળ મજૂરી ગુનો છે. તો કોઈનાં ચરણોમાં બાળકને જબરદસ્તીથી પ્રણામ કરાવવા પણ ગુનો જ છે. તેની ઊર્જાને જાગવા દો. લોકો સંસ્કારના નામે તેમને જેલ આપે છે. સંસ્કારના નામે આપણે તેને બંદીગૃહમાં બંધ કરી દઈએ છીએ. તેને બહાર આવવા દો. તેઓ જાતે પૂછે, જિજ્ઞાસા કરે. વિવેકપૂર્ણ સ્વતંત્રતા સૌથી મોટા સંસ્કાર છે.
કો કહે છે કે ફલાણી વ્યક્તિ V.I.P. છે, જેનામાં સાત ‘વ’ હોય તેને વ્યાસપીઠ V. I. P. કહે છે. આ સાત ‘વ’ જેનામાં હોય… વિવેક, વિરાગ, વિચાર, વિશ્વાસ, વિસ્તાર, સંકિર્ણતા ન હોય, પ્રસાદ પ્રગટે એવો કોઈ કોઈ વાર વિષાદયોગ જેનો બની જાય, વિશ્રામ હોય. ભલે તે ફાટેલ કપડામાં હોય, પણ તેનામાં આ સાત ‘વ’ હોય તો બરાબર છે.
V.I.P. એટલે સુસંસ્કારી વ્યક્તિ, પશ્ચિમની સંસ્કૃતિ ભલે સંપત્તિ અને સુવિધાને પ્રાધાન્ય આપતી હોય, પરંતુ આપણી પૂર્વની સંસ્કૃતિ આજે પણ સભ્યતા અને સંસ્કારનો મહિમા કરે છે. આપણા ધર્મગ્રંથોમાં સોળ સંસ્કારની વાતો છે. માતાના ઉદરમાં ગર્ભ તરીકે જીવનું સ્થાપન થાય ત્યાંથી શરૂ કરીને એના મૃત્યુ બાદ થતા અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારોનો ઉલ્લેખ છે. આમ આપણે ત્યાં સંસ્કારનું બહુ મોટું મહાત્મ્ય છે.
વ્યક્તિને અનેક જગ્યાએથી સંસ્કારો પ્રાપ્ત થતા હોય છે, પણ આપણે આજે ચર્ચા કરીશું શાસ્ત્ર સંસ્કારની
શાસ્ત્ર સંસ્કાર
વેદાંતમાં ત્રણ પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે. આ શાસ્ત્ર આપણા જીવનમાં ત્રણ પ્રકારના સંસ્કારો આપે છે.
દોષાપનયન સંસ્કાર
દોષ કોને કહે છે? દોષનો અર્થ શું છે? આપણે કોઈને કહીએ છીએ- તારામાં ઘણા દુર્ગણો છે. તારામાં અનેક દોષો છે. આટલા દોષો તારામાં ભરેલા છે. પણ દોષની વ્યાખ્યા શું? બહુ સીધીસાદી વ્યાખ્યા કરવામાં આવે તો જે બાબતથી તમને પણ દુઃખ થાય અને સામેવાળાને પણ દુઃખ થાય તેને દોષ કહે છે.
દાખલો જોઈએ તો માનો કે તમે કશુંક ખરાબ બોલો છો, તો તમારું અંતઃકરણ ખરાબ થયું. તમારી જીભ પણ બગડી. તમારી સરસ્વતીને તમે ખરાબ કરી. અને જેને માટે તમે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો, તે પણ દુઃખી થયો.
જે ક્રિયા, જે વાણી, જે વિચાર તમને પણ મલીન કરે અને બીજી કોઈ વ્યક્તિને પણ મલીન કરે, તો તેને મારું વાંગ્મય દોષ કહે છે. જો દોષથી બચવું હોય, તો બંને તરફ કષ્ટ થાય તેવું ક્યારે ન બોલો. એવું ક્યારે ન વિચારો, એવી ક્રિયા ક્યારે ન કરો.
એવી ક્રિયા કોઈ સાથે ન કરો જેનાથી તમારા આત્માને કષ્ટ થાય. તમને અપમાન નથી ગમતું, તો બીજાનું અપમાન ન કરો. તમને કોઈ ગાળ આપે છે, તો તમને નથી ગમતું, તો તમે પણ બીજાઓને ગાળ ન આપો. તમને કોઈ ધક્કો આપે છે, તો તમને સારું નથી લાગતું. તો તમે પણ કોઈને ધક્કો ન આપ્યો.
વિશ્વમાં આવી દોષની વ્યાખ્યા ક્યાંય નથી. ભારત સિવાય બીજા દેશોને ખબર પણ નથી કે દોષ શું છે. તેઓ તો દૂષણને ભૂષણ માને છે.
દોષ હંમેશ પહેલાં પોતાને જ કષ્ટ આપે છે. પછી બીજાને કષ્ટ આપે છે. પહેલાં ખરાબ વાણી તમે બોલો છો, તો તે દોષ પહેલાં તો તમારામાં જ આવે છે. પછી તે જે સાંભળે છે, તેનામાં દોષ આવે છે. પહેલું કષ્ટ તો પોતાને જ થાય છે.
ગુણાધાન સંસ્કાર
ગુણની પણ આ જ વ્યાખ્યા છે. ગુણ એ તત્ત્વ છે કે જે વસ્તુ કે ગુણથી તમને સુખ મળે છે અને તેને સાંભળનાર પણ ખુશ થઈ જાય છે. જે ગુણ ક્રિયાથી તમે સંતુષ્ટ થાવ એ જ ગુણ ક્રિયાથી બીજો પણ સંતુષ્ટ થાય, તો તેને ગુણ કહે છે. તમારું સ્વાન્ત સુખ બીજાનું પણ સ્વાન્ત સુખ બની જાય તો તે ગુણ છે.
હિનાંગ પૂર્તિ સંસ્કાર
એ મા કરે છે તે આપણામાં જે નથી, તે જોડી દે છે. શાસ્ત્ર આપણો નવો અધ્યાય શરૂ કરે છે. આપણને નવી દૃષ્ટિ આપે છે. આપણો જે વિગ્રહ છે, તેને દિવ્ય બનાવે છે.
દરેક માણસને સમાજના ચાર સ્થળેથી સંસ્કાર પ્રાપ્ત થાય છે અને માણસના નસીબમાં ન હોય તો જે ચાર સ્થાનમાંથી એને સુસંસ્કાર મળવા જોઈએ ત્યાં જ એ કુસંસ્કાર પ્રાપ્ત કરે છે એવું પણ જોવા મળ્યું છે.
માતાનું ઉદર
માણસને સૌથી પહેલા સંસ્કાર એની માતાના ઉદરમાં મળે છે. આપણે ત્યાં પુરાણોમાં સંદર્ભ છે કે ક્યાધુ નામની માતા જે રાક્ષસી હતી અને હિરણ્યુકશિપુ નામનો પિતા જે રાક્ષસ હતો છતાં એમના ઘરે પ્રહલાદ જેવા વીર તથા ભક્ત બાળકનો જન્મ થયો એનું કારણ પ્રહલાદને ગર્ભમાં મળેલા સંસ્કાર છે. આ થોર ઉપર પાકેલી કેરીનું ઉદાહરણ છે. મહાભારતમાં અભિમન્યુ પોતાની માતાના ઉદરમાં કોઠાયુદ્ધ શીખ્યો હતો એવી વાતનો ઉલ્લેખ છે.
આપણે ત્યાં સ્ત્રી સગર્ભાવસ્થા પ્રાપ્ત કરે પછી એના આચાર-વિચાર, આહાર-વાંચન અને દિનચર્યા ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, કારણકે સ્ત્રી સગર્ભા સ્થિતિમાં શુભ વાંચે, શુભ સાંભળે અને શુભ વિચારે તો એની ગર્ભસ્થ શિશુ ઉપર શુભ અસર થાય છે. આપણા સમાજમાં પ્રહલાદથી સાવ વિપરીત ઉદાહરણ પણ જોવા મળે છે. જેનાં મા-બાપ ખૂબ પવિત્ર હોવા છતાં એનાં સંતાન પરિવારના વાતાવરણથી સાવ વિરુદ્ધ જોવા મળે ત્યારે માનવું કે આ ગર્ભમાં મળેલા કુસંસ્કારનું પરિણામ છે.
થર
બાળકને બીજા સંસ્કાર ગૃહમાંથી પ્રાપ્ત થાય છે. કારણકે માણસનું બાળપણ કેવું વીતે છે તે એના જીવનના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. જીસ દેશ કા બચપન ભૂખા હો, ઉસ દેશ કી જવાની કયા હોગી એવાં સૂત્રો મળે છે, કારણકે બાળપણ જો ભૂખ્યું અને તરસ્યું હશે તો યુવાની દુર્બળ હશે અને જે દેશના યુવાનો દુર્બળ હશે એ રાષ્ટ્ર ક્યારેય શક્તિશાળી ન થઈ શકે તે હકીક્ત છે.
હું આપને ગૃહના સંસ્કારનું એક નાનકડું ઉદાહરણ આપું છું. હું એકવાર ભાવનગરથી મહુવા જતો હતો. રસ્તામાં ગુજરાતી ભાષાના વયોવૃદ્ધ કવિ ત્રાપજકરનું ગામ ત્રાપજ આવે છે. એક દિવસ થયું કે લાવ કવિને મળતો જાઉં એટલે ત્રાપજના પાદરમાં ગાડી ઊભી રખાવી. ત્યાં એક કોળી પટેલનો પાંચ-સાત વરસનો છોકરો ઊભો હતો અને એનાં કપડાં ઉપરથી તો દરિદ્ર હતો એવો અણસાર આવી જતો હતો.
મેં એ છોકરાને કહ્યું કે મને ત્રાપજકર કવિનું ઘર બતાવીશ? એટલે એ હા પાડીને અમારી આગળ દોડવા લાગ્યો અને અમે એની પાછળ ગાડી ચલાવીને કવિના ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચીને મને વિચાર આવ્યો કે આ છોકરો ગરીબ લાગે છે તો લાવ એને થોડો રાજી કરું. એટલે મેં વીસ રૂપિયાની નોટ કાઢીને એ છોકરાને આપવા હાથ લંબાવ્યો. ત્યારે એ ગરીબ છોકરાએ રૂપિયા લેવાને બદલે મને પ્રશ્ન કર્યો કે તમે મોરારિબાપુ છો ને?
મેં માથું હલાવીને હા પાડી એટલે એ છોકરો બોલ્યો કે અમારાથી તમને રૂપિયા દેવાય પણ તમારા રૂપિયા લેવાય નહીં. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવ્યાં. મને થયું કે ગૃહના સંસ્કાર છે. એનાં મા-બાપ ભલે ગરીબ હશે પણ એમના સંસ્કાર ખૂબ અમીર છે. આ છોકરાએ કપડાં ભલે મેલાં પહેર્યા છે પણ એના સંસ્કાર ખૂબ ઊજળા છે. માટે માણસને બીજા સંસ્કાર પોતાના ઘરમાંથી પ્રાપ્ત થાય છે.
શાળા
માણસને ત્રીજા સંસ્કાર એના વર્ગમાંથી પ્રાપ્ત થાય છે. શિક્ષકો બ્લેકબોર્ડ ઉપર સુવિચાર લખે છે કે વર્ગ એ જ સ્વર્ગ છે, પરંતુ વિનમ્રતાથી એમને પૂછવું છે કે તમે વર્ગને સ્વર્ગ બનાવી શક્યા છો? સ્વર્ગ તો એને કહેવાય જ્યાંથી કોઈને જવું ન ગમે, જ્યારે શિક્ષકો પોતે જ વિવિધ પ્રકારની રજાઓ વડે સતત વર્ગમાંથી દૂર રહેવાના પ્રયાસો કરે છે અને વિદ્યાર્થીઓને તો વર્ગ ઘણીવાર સ્વર્ગને બદલે નર્ક જેવો લાગવા માંડે, ત્યારે કહેવાનું મન થાય કે આપણે કશુંક ચૂકી ગયા હોય એવું લાગે છે.
ધર્મ
માનવીને ચોથા સંસ્કાર એના ધર્મમાંથી મળે છે. અહીં કોઈ એક ધર્મની વાત નથી. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં વચન આપ્યું કે હું ધર્મની સ્થાપના માટે અવતાર ધારણ કરીશ. પરંતુ અહીં હિન્દુ ધર્મ કે બીજા કોઈ ધર્મની વાત ન કરતાં માત્ર ધર્મ શબ્દ જ બોલ્યા છે. એનો અર્થ જગતનો એકપણ ધર્મ ખરાબ નથી. ધર્મનાં મૂળભૂત સૂત્રોનો પોતાના સ્વાર્થ માટે વિકૃત અર્થ કરીને સમાજમાં રજૂ કરનાર માણસો ખરાબ હોય છે.
માણસનો જે ધર્મ હશે તે ધર્મમાંથી એને સંસ્કાર પ્રાપ્ત થશે. જો એના નસીબમાં સુસંસ્કાર હશે નહીં તો ગર્ભ, ગૃહ, વર્ગ અને ધર્મ ચારમાંથી કોઈપણ સ્થાને એને કુસંસ્કાર પણ આપી શકે છે. એટલે આ જગતનો દરેક જીવ આ ચારેચાર સ્થાનમાંથી સુસંસ્કાર પ્રાપ્ત કરે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..