સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અડફેટે ચડ્યા, એકનું મોત, બે ઈજાગ્રસ્ત
સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અફેટે ચડતા એકનું મોત અને બેને ઈજા પહોંચતા ચકચાર મચી જવા પામી છે. બે બાઈક ચાલક રોડ પર બાઈક પર જ મસ્તી કરતા હતા. દરમિયાન ત્રીજુ બાઈક બંને બાઈકમાં અટવાઈ ગયું હતું. ત્યારબાદ ટ્રકની અડફેટે ચડી ગયા હતા.
ત્રણ બાઈક અંદરો-અંદર અટવાઈ જતા ટ્રકની અડફેટે ચડ્યા
મગદલ્લામાં ભવાની મહોલ્લામાં પરેશ રમેશ પટેલ(ઉ.વ.40) પરિવાર સાથે રહેતો હતો. અને નવીન ફ્લોરીંગમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. આજે(સોમવાર) પરેશભાઈ કામ પર જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ઉધનાના બે યુવાનો બે બાઈક પર મસ્તી કરી રહ્યા હતા. અને પરેશભાઈનું બાઈક તેમના બાઈકમાં અટવાઈ ગયું હતું. દરમિયાન પાછળથી આવતા ટ્રક(GJ-5-AT-2268)ની અડફેટે ત્રણેય બાઈક આવી ગયા હતી.
રોડ પર પટકાતા નિપજ્યું મોત
ટ્રકની અડફેટે આવેલા ત્રણેય બાઈકના સવાર રોડ પર પટકાયા હતા. જેમાં પરેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બંને બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ પરેશભાઈનો મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પરિવારમાં શોકનો માહોલ
પરેશભાઈના મોત અંગેની જાણ થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કામ પર જવાની કહીંને ગયેલા પરેશભાઈના મોતની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.