દીકરો જોતા રહ્યો ત્યાં માતા અને પત્નીને પૂર પાટ ઝડપે આવતા ડમ્પરે કચડી નાખ્યા
ચલાલા: સાવરકુંડલા તાલુકાના જીરા ગામનો યુવાન ગઇકાલે પોતાના મોટરસાયકલ પર પત્ની અને માતાને બેસાડી ચલાલા નજીક મોરઝર ગામે જઇ રહ્યો હતો ત્યારે ચલાલા પાસે જ સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા આ ઘટનામાં સાસુ-વહુનું મોત થયું હતું. જ્યારે યુવકને ગંભીર ઈજા સાથે સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
જીરાના યુવકને ગંભીર ઈજા : પતિ-પત્ની અને માતા બાઈક પર મોરજર જતા હતા
અકસ્માતની આ ઘટના ગઈ મોડી સાંજે ચલાલા ધારી રોડ પર હોટેલ વન વગડા પાસે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના જીરા ગામનો ખોડીદાસ ભગવાનભાઈ ડોબરીયા ( ઉ. વ. 26) નામનો યુવાન પોતાના મોટર સાયકલ પાછળ માતા વિમળાબેન અને પત્ની ગીતા ( ઉ. વ. 25 )ને બેસાડી સંબંધીને ત્યાં ચલાલા તાબાના મોરઝર ગામે જવા નીકળ્યા હતા. તેનું મોટરસાયકલ ચલાલાથી એકાદ કિ.મી. આગળ પહોંચ્યું ત્યારે સામેથી ધારી તરફથી આવી રહેલા ડમ્પર નંબર જી.જે. ૩ ડબલ્યુ. 9269ના ચાલકે અકસ્માત સર્જયો હતો.
અકસ્માતને પગલે મોટરસાયકલના બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં સાસુ વિમળાબેન અને વહુ ગીતાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ખોડીદાસ ભગવાનભાઈને વધુ સારવાર માટે ચલાલા દવાખાનેથી અમરેલી રીફર કરવામાં આવેલ છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટયો હતો.
હજુ દોઢ માસ પહેલાં જ દંપતીના થયા હતા લગ્ન
ખોડીદાસ અને ગીતાના હજુ દોઢેક માસ પહેલા ગત તા.12/3ના રોજ લગ્ન થયા હતા. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે દંપતી ખંડિત થયું હતું. પીએસઆઇ બોરીસાગર સ્ટાફના ભગીરથભાઈ ધાધલ, અરવિંદભાઈ ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.
તસવીરો પ્રતિકાત્મક છે.