ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર સામસામે અથડાઈ, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ
ધોલેરા પીપળી હાઈવે પર ગોગલા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને જોઈ ત્યાથી પસાર થતા રાહદારીઓ બચાવ કાર્યમાં જોડાયા હતા.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ પર ધોલેરા પાસે ગોગલા ગામના પાટીયા પાસે રવિવારે સવારે 7:30 કલાકે અમદાવાદથી ભાવનગર તરફ જઇ રહેલી ઇનોવા કાર નંબર જી.જે.27.યુ.6376 અને ભાવનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી ઝેન એસ્ટીલો કાર નંબરજી.જે.02.એ.પી.1163 સામ સામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ત્રણ પુરુષ, એક મહિલા, એક બાળક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા ઇમરજન્સી 108 ધોલેરા ઇએમટી ઇમરાનખાન પરમાર, પાયલોટ અનિરૂધ્ધસિંહ વાળા અને ફેદરા 108 ઇએમટી નરેન્દ્રકુમાર પરમાર, પાયલોટ સહદેવસિંહ ગોહિલ દ્વારા ધંધુકા આર.એમ.એસ.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ચારેયને વધુ સારવાર માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગોઝારો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોની ચીચીયારીઓથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. ગોઝારા અકસ્માત બનતા કારમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં ત્યાથી પસાર થતા સ્થાનિક લોકો જોડાયા હતા અને ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા જ ધોલેરા પોલિસના પી.એસ.આઇ. બી.બી.કરપડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવમાં 5 મૃતકોનુ પી.એમ.રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે કરાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં અમદાવાદ રહેતા પંકજભાઇ રાઠોડ, હિતેશભાઇ ઠાકોર, મીકીરાજ બળદેવભાઇ, કૃણાલ નીતિનભાઇનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને અમદાવાદ ખસેડાયા હતા.
ભાવનગરથી પરિવાર બહેનને મુકવા જતો હતો
ઇનોવા કારમાં મુસાફરી કરી રહેલો પરિવાર અમદાવાદથી ભાવનગરના તગડી મુકામે લગ્નપ્રસંગમાં જઈ રહ્યો હતો. જ્યારે ઝેન એસ્ટીલો કારમાં મુસાફરી કરી રહેલા ભાવનગરથી અમદાવાદ પોતાની બહેનને મુકવા જઈ રહ્યા હતા. જેમાં એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ ગોઝારો અકસ્માત બનતા મૃતક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
મૃતકોની યાદી
- વિશાલ બાબુભાઈ કાનાણી (રહે.અમદાવાદ)
- નિરજકુમાર પ્રહલાદભાઇ પટેલ (ઉ.વ. ૩૩)
- અર્વી ભાવિકભાઇ પટેલ (ઉ.વ.૧.૫)
- અસ્મિતાબેન ભાવિકભાઇ પટેલ (ઉ.વ.૨૯ રહે. ભાવનગર)
- નેકલેશ જયંતિભાઈ ગોહિલ (ઇનોવા કારનો ચાલક)