પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ, 12 લાખ શ્રદ્ધાળુઓ લેશે મહાપ્રસાદ, જાણો મંદિરનો ઈતિહાસ
ભેંસાણ નજીક આવેલી લોકપ્રિય ધાર્મિક જગ્યા એટલે પરબધામ. રક્તપિતિથી પિડાતા અને સમાજે તરછોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાના સમાધી સ્થળ અહીં છે. પરબધામનો સંપૂર્ણ ઈતિહાસ તો આપણે આગળ જાણીશું જ, પરંતુ સૌથી પહેલા અષાઢી બીજના દિવસે અહીં ભરાનાર લોકપ્રિય મેળા વિશે જાણીએ.
અષાઢી બીજના મેળાની ખાસ વાતો
- 3 જુલાઇની સાંજથી મેળાનો થશે પ્રારંભ, જેની 5 જુલાઇની સવારે પૂર્ણાહૂતી થશે.
- 250 વિઘામાં મેળાનું આયોજન.
- ભેંસાણનાં પરબધામ ખાતે 12 લાખ શ્રદ્ધાળુઓ દર્શનની સાથે લેશે મહાપ્રસાદ
- રસોઇ માટે 500 ચોરસ મીટરનાં 5 મેગા કિચન.
- 10 લાખથી વધુ રોટલી મહિલાઓ બનાવશે. 4 હજાર મહિલાનો મેળામાં કર્મયોગ
- 81 ચૂલા દ્વારા મહાપ્રસાદ.
- 10,000 સ્વયં સેવકો બે દિવસ સેવા આપશે
- 500 કાઉન્ટર: મેળા દરમિયાન પ્રસાદ પિરસવા માટે કુલ 500 કાઉન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.
- વાસણ માંજવા માટે કુંડ વાસણ સાફ કરવા થઇને એકી સાથે ત્રણ – ત્રણ કુંડની ગોઠવણ છે. જે કુંડમાં ભાવિકો હાથે વાસણ સાફ કરશે.
- મહાપ્રસાદ: 200 કટ્ટા ઘઉંનો લોટ, 400 ડબ્બા ઘી, 100 ગુણી ખાંડ, 200 કિલો કાજુ- કિસમીસ, 20 કિલો એલચીથી મહાપ્રસાદ બને છે.
- યજ્ઞકુંડ બીજનાં દિવસે સવારે કરસનદાસબાપુ દ્વારા ધ્વજારોહણ કરાશે. તેમજ લોક કલ્યાણ માટે થઈને યજ્ઞ શાળામાં યજ્ઞનું આયોજન દર વર્ષની જેમ કરાશે.
અષાઢીબીજનાં દિવસે સંત દેવીદાસ અને અમરમાએ જીવતા સમાધી લીધી હતી. - 50 હજાર લોકો મેળા દરમિયાન એક સાથે પ્રસાદ લેવા બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પરબધામના નિર્માણની વાત
પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિતના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા. ધીમે ધીમે જગ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિતીયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા. પરબધામમાં નવા મંદિરનું ખાતમૂહર્ત કરશનદાસબાપુના ગુરુ સેવાદાસબાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. આ નવું મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે.
પરબધામનું ધાર્મિક માહાત્મ્ય
દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરના ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાણા હતા. અમરબાઈ આહીર જ્ઞાતિના હતા અને તેઓ વિસાવદરના શોભાવડલા ગામે રહેતા હતા. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું. રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિતિના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ. દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યા. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા. જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધી લીધી. ત્યાર પછી સમય જતા અમરમાએ પણ સમાધી લીધી હતી.
મંદિરના મુખ્ય આકર્ષણો
દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે. મહા મહિનાની બીજ, દશરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથિ નિમિતે 4 એપ્રિલના અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે. જે જીવતા સમાધિ લેવાઈ છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે. ત્યાર પછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે.
આરતીનો સમય: સવાર : 5 વાગ્યે, સાંજે 7.30 વાગ્યે.
દર્શનનો સમય: સવારના પાંચ વાગ્યાથી સાંજના 7.30 વાગ્યા સુધી.
કેવી રીતે પહોંચવું
જુનાગઢથી 40 કિમી, રાજકોટથી 95 કિમી અને અમરેલીથી 65 કિમી છે. જુનાગઢથી આવનાર શ્રદ્ધાળુઓએ વાયા ભેંસાણ થઈ જઈ શકાશે અને રાજકોટ તરફથી આવતા શ્રદ્ધાળુઓ વાયા જેતપુરથી બગસરા તરફનો માર્ગ લેવો જ્યાં બરવાળા કોલેજની ચોકડી આવે છે ત્યાથી ત્રણ કિમીના અંતરે પરબધામ છે. નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ છે. પરબવાવડી ગામની બાજુમાં આવેલું છે પરબધામ. ખાનગી વાહનો અને સરકારી બસમાં પણ અહીં જઈ શકાય છે.
રહેવાની સુવિધા છે
પરબધામ જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુ માટે ફ્રીમાં વ્યવસ્થા છે. અહીં કુલ 250 રૂમ છે. મંદિરના ભોજનાલયમાં સવારની 5 વાગ્યાની આરતી પછી ચા પાણીની વ્યવસ્થા હોય છે. જમવાનું સવારે 11.30થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 8થી રાત્રીના 12 વાગ્યા સુધી જમવા માટે રસોડું ધમધમે છે.