નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો
નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ.
કેટલાક લોકો નરેશભાઈને કટ્ટર જ્ઞાતિવાદી માણસ સમજે છે. જે સમાજના આગેવાન હોય એ સમાજ માટે કામ કરે એ તો સ્વાભાવિક છે પણ બહુ ઓછાને ખબર હશે કે આ માણસ ખુબ સંવેદનશીલ છે. પટેલ દાતાઓના જ ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ કલાસમાં બધી જ જ્ઞાતિના દીકરા દીકરીને પ્રવેશ આપવાની વિશાળતા આ માણસ ધરાવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને ‘સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી સાહેબ જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે.
નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. આટલા વર્ષોથી ખોડલધામ માટે કામ કરે છે અને આટલી દોડાદોડી કરે છે પણ પ્રવાસખર્ચનું એકપણ બિલ એને ટ્રસ્ટમાં નથી નાખ્યું. એમના પોતાના પ્રવાસ ખર્ચનું તો સમજ્યા પણ સહપ્રવાસીનો બધો ખર્ચ પણ પોતે જ ઉઠાવે અને આ ખર્ચો એના અંગત ખાતામાંથી ઉધારાય. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત.
ઊંચા હોદા પર બેઠેલો માણસ વિચલિત બહુ થાય પણ નરેશભાઇની સ્થિરતાનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ઘણીવાર એવું બન્યુ છે કે કોઈ કાર્યમાં મોટા મોટા વિઘ્નો આવ્યા હોય. જો બીજો કોઈ માણસ હોય તો છાતીના પાટિયા બેસી ગયા હોય પણ નરેશભાઇની સ્થિરતા આવા પ્રસંગે પ્રત્યક્ષ જોઈ છે. બીજી બાજુ શબ્દથી વ્યક્ત ના થઇ શકે એવી અદભૂત સફળતાઓ પણ મળી છે. ભવ્ય સફળતાનો નશો પણ આ માણસને નથી ચડ્યો.
શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્નોમાં રસ પણ લે. મોટી સંસ્થા સંભાળતા હોય એટલે ક્યારેક લાલ આંખ પણ કરાવી પડે આમ છતાં એમણે કૃષ્ણની જેમ સુંદર્શનનો ઓછો અને વાંસળીનો વધુ ઉપયોગ કર્યો છે.
કદાચ તમને ખોડલધામ પ્રત્યે વાંધો હોય શકે, નરેશભાઇના કેટલાક અંગત વિચારો પ્રત્યે પણ વાંધો હોય શકે પણ એમના જીવનમાંથી આ પાંચ ગુણો ખરેખર આત્મસાત કરવા જેવા છે.
શૈલેષ સગપરિયા