ઘાયલ મિત્રની દશા જોઇ છેલ્લા બે વર્ષથી અન્ય મિત્રો કરી રહ્યાં છે સેફ્ટીગાર્ડ વિતરણનું કામ
મહેસાણા: આજથી બે વર્ષ અગાઉ ઉત્તરાયણના દિવસોમાં બાઇક લઇને જતાં મહેસાણાના યુવકને દોરી વાગતાં ગળામાં ગંભીર ઇજા થઇ હતી તેમજ રોડ પર પડી જવાથી હાથે ફ્રેક્ચર થયું હતું. દોરી વાગવાથી મિત્રની થયેલી આવી હાલત જોઇ અન્ય મિત્રો છેલ્લા બે વર્ષથી બાઇકચાલકોને મફત સેફ્ટીગાર્ડ લગાડી આપે છે, કારણ કે તેમના મિત્ર જેવી હાલત બીજા કોઇની જ થાય. રવિવારે એક જ દિવસમાં 1700 જેટલા સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા અને હવે ગુરુવારે કેમ્પ કરનાર છે.
અબોલા ગૃપ પાંચોટના 50 યુવાનોની ટીમ દ્વારા સત બીજા વર્ષે પાંચોટ સર્કલ તુલસી રેસ્ટોરન્સ આગળ ફ્રી સેફ્ટી ગાર્ડ કેમ્પ યોજ્યો હતો. ગૃપના ધર્મેન્દ્ર પટેલ, ચેતન, વિષ્ણુ , પ્રવિણ, સંજય, નિકુલ, પૂનમ પટેલ સહિત યુવાનોએ જાતે જ સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા.
મિત્રને દોરી વાગતાં સેફ્ટીગાર્ડનો વિચાર આવ્યો
વર્ષ 2016માં મારા મિત્ર ઉપેન્દ્ર પટેલને દોરીથી અકસ્માતમાં ગળામાં ઇજા અને હાથે ફ્રેક્ચર થયું હતું.તે પછી રસ્તામાં દોરીના કારણે બીજાને અકસ્માત ન થાય એવા કાર્યનો વિચાર આવ્યો અને બધા ભેગા મળી કાર્ય કરી રહ્યા છીએ. – ધર્મેન્દ્રભાઇ પટેલ, સેફ્ટીગાર્ડ લગાવનાર યુવાન
ગળામાં દોરીથી ઇજા જોઇ ગાર્ડ લગાવવા આવ્યા
દેદિયાસણના અલ્પેશ અને હું બે મિત્રો સવારે શિલ્પા ગેરેજ ચોકડી હોસ્પિટલ આગળ ઉભા હતા. ત્યાં એક બહેનને ગળાના ભાગે દોરીથી ઇજા થયેલી જોઇ અમે સલામતી માટે બાઇકની આગળ ગાર્ડ લગાવવા અહીં આવ્યા છીએ. – ગોપાલભાઇ ઝાલા, ચામુંડાનગર
કુટુંબી મામાએ દોરીના કારણે જીવ ગુમાવ્યો હતો
અમારા કૌટુંબિક મામાએ ત્રણ વર્ષ પહેલાં બાઇક પર જતાં દોરી વાગતાં અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ત્યારથી અમે બાઇકને સેફ્ટીગાર્ડ લગાવીએ છીએ.- ગોવિંદભાઇ પટેલ, અધિષ્ઠા બંગ્લોઝ