જાણો વડોદરાના ‘દિવ્યાંગ’ વિદ્યાર્થી અભિષેક કાનાણી એ કેવી રીતે CA ઈન્ટરની પરીક્ષા પાસ કરી
વડોદરા, તા.30. જાન્યુઆરી 2018 મંગળવાર
હું ‘અપંગ’ હતો એનુ દુઃખ ન હતુ પણ સમાજની અપંગ માનસિક્તા મને ડગલેને પગલે દુઃખી કરતી હતી. પછી એક સમય એવો આવ્યો કે સમાજના દરેક અપમાનનો બદલો મારી તાકાત સાબિત કરીને આપવાનો નિર્ણય કર્યો અને પછી અત્યાર સુધીમાં થયેલ મારા અપમાનના દરેક ઘૂંટ સફળતાનું અમૃત સાબિત થયા’ આ હિમ્મતવાન અને પ્રેરણાદાયક શબ્દો છે.
વડોદરાના ‘દિવ્યાંગ’ અભિષેક કાનાણીના. અભિષેકે સી.એ. ઇન્ટરના બન્ને ગુ્રપ પાસ કરી લીધા છે અને હવે તે સી.એ. ફાઇનલ ક્લિયર કરીને એલએલબી કરવા માગે છે.
અભિષેકે પોતાની સફળતા અંગે વાત કરતા કહ્યુ હતું કે ‘મે નક્કી કરી લીધુ હતુ કે મારે ‘અપંગતા’ના કારણે મળતા સરકારી લાભો અને લોકોની ખોખલી સહાયતાથી સફળ થવુ ન હતું એટલે મે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનું પસંદ કર્યુ કેમ કે સી.એ.ની પરીક્ષામાં તમે અપંગ છો કે સંપુર્ણ સામાન્ય છો તેવો કોઇ ભેદભાવ જોવામાં નથી આવતો.
‘અપંગતા’ મને જન્મજાત મળી છે અને સુશિક્ષિત સમાજની માનસિક અપંગતાએ પણ અનેક પડકારો ઉભા કર્યા પણ મારુ ઝનુન મને મારા સપનાઓ પુરા કરવા સુધી લઇ ગયું. હું સી.એ. કરીને એલએલબી એટલા માટે કરવા માગુ છુ કે સમાજની માનસીક અપંગતા દૂર કરી શકું’
જ્યારે અભિષેકના માતા રશ્મીબેને કહ્યુ હતું કે ‘આ યાત્રા આજની સફળતા જેટલી સફળ રહી ન હતી. અમે અમદાવાદમાં રહેતા હતા અને અભિષેકને જ્યારે પ્રી પ્રાઇમરીમાં એડમિશન માટે લઇ ગઇ ત્યારે એક ખાનગી શાળાએ એડમિશન આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતુ કે તમારો છોકરો અપંગ છે એટલે અમે એડમિશન નહી આપીએ અમારી સ્કૂલ અપંગો માટે નથી મે પણ ત્યારે જ નિર્ણય કરી લીધો છે સ્કૂલે કરેલા અપમાનનો બદલો હું મારા દિકરાને સી.એ. બનાવીને લઇશ’