માનવી પ્રકૃતિની વિરુદ્ધ ગયો ત્યારથી સુખ-શાંતિ નથી: આચાર્ય તિલકસૂરી મહારાજ
દરેક માનવી જીવનમાં દુઃખ અનુભવે છે. તેના કારણે માનસિક શાંતિ હણાઈ છે. એના કારણે માનસિક રોગોની દર વર્ષે સાડા ત્રણ લાખ કરોડની દવા વિશ્વમાં વેચાય છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે સગવડો વધી છતાં સુખ-શાંતિ કેમ નથી. આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં આચાર્ય યોગતિલકસૂરિ મહારાજે રવિવારે પાલના ઉપાશ્રયમાં 150 તબીબો સાથે થયેલા સંવાદમાં કહ્યાં હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ધર્મ જ માનવીને સાચુ સુખ આપી શકે. ધર્મની ભાષામાં માનવીને પરેશાન કરતા ત્રણ પ્રશ્નો છે. પાલના શ્રી શાંતિવર્ધક જૈનસંઘમાં તબીબો સાથે આચાર્ય તિલકસુરીએ સંવાદ કર્યો.
દરેક મનુષ્યના જીવનમાં સુખ-શાંતિ કેમ જોવા મળતી નથી?
આજે આ વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન છે. દરેક જીવ ઇચ્છે છે કે જીવનમાં દુઃખ જ ન હોય. માનસિક રોગીઓ તબીબો પાસે જાય છે. તબીબો માટે શબ્દ છે, ફિઝીશિયન. ફિઝિકસ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય પ્રકૃતિને જાણે, માણે અને જીવાડે. સાચો ફિઝિશિયન પ્રકૃતિ સાથે જીવે. માનવીએ પ્રકૃતિની વિરુદ્ધ જવાનું ચાલુ કર્યું ત્યારથી તેના જીવનમાં સુખ-શાંતિ નથી.
પ્રકૃતિ એટલે શું? માનવ જીવન પર તેની અસર કેટલી
પ્રકૃતિ એટલે ચોક્કસ નિયમો પર ચાલતું પૃથ્વી પરનું જીવનચક્ર. તેમાં ધર્મ એટલે નક્કી કરેલા નિયમો નહીં, પરંતું પ્રકૃતિના નિયમો સાથે તાલમેલ તે ધર્મ છે. કેટલાકને બિમારીમાં આનંદ આવે અને સારા હોય છતાં દુઃખી હોય. તેનું કારણ તમારૂ ધારેલુ થતું નથી. એવરેસ્ટ ચઢનાર મોત સામે ઝઝૂમે છે, પરંતુ તેમાં પણ એને આનંદ આવે છે.
પ્રમાણિક રીતે જીવવા છતાં લોકો કેમ દુઃખી કરે છે?
ઈચ્છો તેનાથી જુદુ બને તો દુઃખ થાય છે. તમને જે દુઃખી કરે તેની વધારે સારી સેવા કરો. સારી ભાવનાથી વર્તો તો એ તમારી પાસે સામેથી આવશે. એનું સારૂ થશે એટલે અન્યાય કરવાનું ભૂલી જશે. સુખની સામાગ્રી, પરિસ્થિતિ કે ઘટના સુખદુઃખના કારણ નથી. નક્કી કરેલું થાય ત્યારે આનંદ થાય છે. માણસ એટલા માટે બિમાર છે કે બીજાને બદલવો છે.
આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું?
હમેશા એવા નિર્ણય લો કે જેનાથી ધારેલું જ થાય. અનિર્ણાયકતા હોય તો હંમેશા ખોટા જ વિચાર આવે. ધર્મની ફિલોસોફી એવી છે કે જ તમારા હાથમાં હોય તેના જ વિચાર કરો. પત્નીએ શું કરવું તે તમારા હાથમાં નથી, પરંતુ તમારે એની સાથે કેમ વર્તવું તે તમારા હાથમાં છે. બાળક મોટું થતાં પોતાના પ્રમાણે ચલાવવા જાય તે સાંભળતું નથી, ત્યારે દુઃખી થાય છે.
નિર્ણયો ખોટા પડે તો માણસે ખરેખર શું કરવું જોઇએ ?
ધર્મ કહે છે કે નો ઇગો, નો એટેચમેન્ટ. જે નિર્ણય સાથે જાતને જોડો તે એટેચમેન્ટ છે અને ધારેલુ થાય નહીં ત્યારે દુઃખી થવાય તે ઇગો છે. ધર્મના માર્ગે ચાલવાથી ઇગો હર્ટ થતો નથી એટલે એટેચમેન્ટ પણ રહેતું નથી. વિકૃતિ બીજાના નિર્ણયો તમારી પાસે લેવડાવે છે. ધર્મની ફિલોસોફી હોય તો રાજા કે રંક સૌ સુખી રહે. કોઈપણ સ્થિતિમાં આનંદથી જીવે તે સાચો શ્રાવક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.