યુક્રેનમાં ભણતી ગોંડલની 2 દીકરીના પિતા ચિંતિત: પુત્રીનો ફોન આવ્યો અને કહ્યું-પપ્પા સિનિયર સિટીઝન અને બાળકોને પ્રોયારિટી અપાઈ છે, ગમે ત્યારે ઈમરજન્સી જાહેર થશે
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલા ફૂંકાઈ ચૂક્યું હતું અને યુદ્ધ શરૂ થઈ જતા સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે ભારતીય નાગરિકોને દેશ પરત લાવવા માટે સરકાર પણ કામે લાગી ગઇ છે. તેમ છતાં ગોંડલથી MBBSના અભ્યાસ માટે યુક્રેન ગયેલી બે દીકરીઓ દેશ પરત ન આવી શકતા પરિવાર ચિંતિત બન્યો છે. એકના પિતાએ જણાવ્યું છે કે, અમારી ચિંતા ત્યારે વધી જ્યારે યુક્રેનમાં ભણતી પુત્રીનો ફોન આવ્યો અને કહ્યું પપ્પા સિનિયર સિટીઝન અને બાળકોને પ્રાયોરિટી અપાઈ છે, ગમે ત્યારે ઈમરજન્સી જાહેર થશે.
બુકોવિનિયન યુનિવર્સિટીમાં બંને દીકરીઓ અભ્યાસ કરે છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના જેતપુર રોડ પર આવેલા સંજય સોસાયટીમાં રહેતા અને જામવાડી GIDCમાં દિપાલી ઓઇલ ચલાવતા રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી અને દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડાની પુત્રી દેવાંશી છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલી યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતા હાલ આ બન્ને દીકરીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.
શક્ય હશે તો ચાર્ટડ પ્લેનથી નજીકના દેશમાં શિફ્ટ કરશે
રાજેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા છેલ્લા 15 દિવસથી બંને દીકરીઓને પરત લાવવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પણ દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી નહોતી. કારણ કે હાલ ત્યાં સિનિયર સિટીઝનો અને નાના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.
સામાન પેક કરી રાખવાનું કહ્યું છે
ગુરુવારે સવારે જ રાજેશભાઈ રામાણીને પુત્રી બંસી સાથે વાત થઇ હતી ત્યારે જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસીની નવી જાહેરાત આવી છે, તેઓ દ્વારા માલ સામાન પેક કરી રાખવાનું અને બેન્કમાંથી જરૂરિયાત મુજબના નાણા ઉપાડી હાથ ઉપર રાખવાનું જણાવાયુ છે. ગમે ત્યારે ઇમરજન્સી જાહેર થઈ જશે, શક્ય હશે તો ચાર્ટડ પ્લેન અથવા તો કોઈપણ વાહન મારફતે નજીકના દેશમાં શિફ્ટ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં સાત સમુંદર પાર રહેતા સંતાનોની ચિંતા તો પરિવારજનોને થાય તે સ્વાભાવિક છે.
પુત્રીએ કહ્યું પપ્પા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે
બીજી તરફ દેવાંશીના પિતા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી યુક્રેનમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા 15 દિવસથી આ યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે અમે ભારત સરકાર અને યુક્રેનમાં ભારતીય એમ્બેસીને મેલથી જાણ કરી છે. મારે આજે જ સવારે દીકરી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારત સરકારને વિનંતી છે કે, અમારા સંતાનોને પાછા લઈ આવે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..