આ છે ગુજરાતની 8 ચમત્કારિક જગ્યાઓ, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય
ઝૂલતા મિનારા
કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી સિદ્દી બશીર મસ્જિદમાં આવેલા આ મિનારા ‘ઝૂલતા મિનારા’ કહેવામાં આવે છે. આ મિનારાની વિશેષતા એ છે કે, એક મિનારાને હલાવતા થોડો સમય બાદ બાજુ વાળો મિનારો હલવા માડે છે. આ વિશે વૈજ્ઞાનિકોમાં અલગ-અલગ મતો છે પણ કોઈ એક ચોક્કસ કારણ શોધી શકાયું નથી. આ સ્થળ પર હાલ ભારતીય પુરાતત્વ વિભાગે સામાન્ય લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દીધો છે.
તુલસીશ્યામ
ગીરના જંગલમાં આવેલા આ સ્થળે ગરમ પાણીના કુંડ તો આવેલા જ છે પણ આ ઉપરાંત અહીંથી ત્રણ કિમી દૂર એક રસ્તો છે જે ઢોળાણવાળો છે. આ રસ્તા પર જો તમે તમારું વાહન બંધ કરી દો અને ચલાવો તો નીચે આવવાને બદલે ઉપરની તરફ જાય છે. અહીં પાણી ઢોળવામાં આવે તો તે પણ ઉપરની તરફ જાય છે.
કાળો ડુંગર
કચ્છનું સૌથી ઊંચું સ્થળ. અહીંથી પસાર થતા રોડની લાક્ષણિકતા એ છે કે, તીવ્ર ઢાળ હોવા છતાં તેના પર ચઢાણ કરતી વખતે વાહનની સ્પીડ આપોઆપ વધી જાય છે. સામાન્યપણે ઢાળ ચઢાવતી વખતે વાહનની સ્પીડ ખૂબ ઘટી જતી હોય છે પણ અહીં તેનાથી એકદમ ઉલટ પરિસ્થિતિ છે અને તે બધાની સમજથી બહાર છે.
નગારિયા પથ્થર
ગીરનારની બાજુમાં આવેલા દાતાર પર્વત પર આવેલા આ પથ્થરો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ પથ્થરની વિશેષતા એ છે કે, તેને ઠોકર મારતા તેમાંથી નગારા જેવો અવાજ આવવા લાગે છે.
તુલશીશ્યામ કુંડ
કુદરતી સુંદરતા માટે જાણીતા આ વિસ્તારમાં એક પાણીનો કુંડ છે જે 24 કલાક પાણીથી છલોછલ ભરેલો રહે છે અને તેમાં હંમેશા ગરમ પાણી રહે છે. આ સ્થળ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ઘણી પૌરાણિક કથાઓ પણ સાંભળવા મળે છે.
ટુવા-ટિંબા
દાહોદથી 15 કીમી દૂર આવેલા ટુબા-ટિમ્બામાં પણ એક ગરમ પાણીનો કુંડ આવેલો છે. અહીં સ્નાન કરવાનો ઘણો મહિમા છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો અને ભગવાન રામે આ સ્થળની મુલાકાત કરી હતી. કહેવામાં આવે છે કે, ભગવાન રામે સંત સૂરદાસના ઉપચાર માટે અહીં તીરથી જમીન તોડીને તેમાંથી પાણી કાઢ્યું હતું.
જાદુઈ પથ્થર
અમરેલીના બાબરાથી સાત કીમી દૂર આવેલા કરિયાણા ગામની પહાડીના પથ્થરો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ પથ્થરોમાંથી ઝાલર વાગવાથી ઉઠે તેવો અવાજ આવે છે. અત્યાર સુધી લોકોમાં આ પથ્થર એક કોયડા જેવા જ છે. કહેવામાં આવે છે કે, એકવાર ભગવાન સ્વામીનારાયણ અહીં આવ્યા હતા અને તેમણે પૂજા કરતી વખતે આ પથ્થરોનો ઘંટડી તરીકે ઉપયોગ કર્યો હતો.
ઉનાઈ
નવસારી જિલ્લાનું ઐતિહાસિક યાત્રાધામ. અહીં પણ એક ગરમ પાણીનો કુંડ છે જેમાં સ્નાન કરવાનો મહિમા છે. કહેવામાં આવે છે કે, અહીં સ્નાન કરવાથી ઘણા પ્રકારના રોગ મટી જાય છે.