ગુજરાતીઓએ દરેક લહેરનો રેકોર્ડ તોડ્યો, 52 વર્ષમાં પહેલીવાર સરેરાશ 64% વોટિંગ
આખરે ગુજરાતે ઈતિહાસ રચ્યો. મતદારોએ બતાવી દીધું કે, તેઓ નિર્ધાર કરે છે ત્યારે આ જ રીતે ઈતિહાસ બદલાય છે. મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું. મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ મતદાનની ટકાવારી 63.75 થઈ ગઈ હતી. ચૂંટણી પંચે ટકાવારી વધી શકે છે એમ જણાવ્યું હતું. જેથી 64 ટકાએ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. 52 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલાં 1967માં નહેરુના સમયમાં 63.77% મતદાન થયું હતું.
2014માં મોદી લહેર સમયે માત્ર 0.11%થી આ રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. ત્યારે 63.6% મતદાન થયું હતું. 2019ના મતદાને ઈન્દિરા લહેર, રામ લહેર, અટલ-મોદી લહેરના દરેક કીર્તિમાન તોડી નાંખ્યા. સૌથી વધુ 74.9% મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું 55.73% મતદાન અમરેલીમાં થયું. અમિત શાહની ગાંધીનગર બેઠક પર 64.95% મતદાન થયું. આ મતદાન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ખતમ થયો. હવે બસ 23 મેની રાહ જોવાય છે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવવાના છે.
સૌથી વધુ વલસાડ બેઠક પર તો સૌથી ઓછું અમરેલી બેઠક પર મતદાન
રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.74 ટકા જ્યારે સૌથી વધુ વલસાડમાં 74.09 ટકા મતદાન થયું છે. તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 71.43 ટકા અને દીવ-દમણ 65.34 ટકા મતદાન થયું છે.
કઈ બેઠક પર કેટલું મતદાન
બેઠક | ભાજપ ઉમેદવાર | કોંગ્રેસ ઉમેદવાર | મતદાનની ટકાવારી |
કચ્છ | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી | 57.53 |
બનાસકાંઠા | પરબત પટેલ | પરથી ભટોળ | 64.71 |
પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર | 61.74 |
મહેસાણા | શારદા પટેલ | એ.જે. પટેલ | 65.04 |
સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર | 67.21 |
ગાંધીનગર | અમિત શાહ | ડૉ. સી.જે.ચાવડા | 64.94 |
અમદાવાદ(પૂ.) | એચ.એસ પટેલ | ગીતા પટેલ | 60.77 |
અમદાવાદ(પ.) | ડૉ. કિરીટ સોલંકી | રાજુ પરમાર | 59.82 |
સુરેન્દ્રનગર | ડો મહેન્દ્ર મુંજપરા | સોમા ગાંડા પટેલ | 57.84 |
રાજકોટ | મોહન કુંડારિયા | લલિત કગથરા | 63.15 |
પોરબંદર | રમેશ ધડૂક | લલિત વસોયા | 56.79 |
જામનગર | પૂનમ માડમ | મૂળુ કંડોરિયા | 58.49 |
જૂનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજા વંશ | 60.70 |
અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી | 55.74 |
ભાવનગર | ડૉ. ભારતી શિયાળ | મનહર પટેલ | 58.42 |
આણંદ | મિતેષ પટેલ | ભરતસિંહ સોલંકી | 66.03 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | બિમલ શાહ | 60.62 |
પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી.કે.ખાંટ | 61.69 |
દાહોદ | જશવંતસિંહ ભાભોર | બાબુ કટારા | 66.05 |
વડોદરા | રંજન ભટ્ટ | પ્રશાંત પટેલ | 67.61 |
છોટાઉદેપુર | ગીતા રાઠવા | રણજિતસિંહ રાઠવા | 72.89 |
ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ | 71.77 |
બારડોલી | પ્રભુ વસાવા | તુષાર ચૌધરી | 73.57 |
સુરત | દર્શના જરદોશ | અશોક અધેવાડા | 63.98 |
નવસારી | સીઆર પાટીલ | ધર્મેશ પટેલ | 66.42 |
વલસાડ | ડૉ. કે સી પટેલ | જીતુ ચૌધરી | 74.09 |
ચૂંટણી સંદર્ભે 43 ફરિયાદ મળી, સૌથી વધુ અમદાવાદમાં
ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સમગ્ર રાજ્યમાંથી દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી હતી. જેમાં સૌથી વધુ 11 ફરિયાદ અમદાવાદમાંથી મળી હતી. દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી
4 વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 58.60 ટકા મતદાન
જ્યારે લોકસભાની સાથે સાથે યોજાયેલી ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો ઉંઝા-62, જામનગર(ગ્રામ્ય)-59.66, માણાવદર-57.68 અને ધ્રાંગધ્રા-55.07 ટકા મતદાન નોંધાયુ છે.
4 ગામમાં મતદાનનો બહિષ્કાર
રસ્તા અને પાણી મુદ્દે ડાંગના બે ગામો દાવદહડ અને ધુબડિયાના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. પ્રથમ ત્રણ કલાકમાં એકેય મત પડ્યો નહોતો. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ ત્રણ કલાકમાં એકપણ મત આપ્યો નહોતો. જાફરાબાદ તાલુકાના સરોવડા પાણી અને રસ્તા મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને 11 વાગ્યા સુધીમાં માત્ર બે જ મત પડ્યા હતાં. જો કે અમુક સ્થળોએ સમજાવટ બાદ મતદાન થયું હતું
371 ઉમેદવાર વચ્ચે જંગ
ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે