500 કરોડ તો શું 5 કરોડનું પણ કૌભાંડ આચર્યું નથી, કોઇ પણ તપાસ માટે તૈયાર: પૂર્વ CM રૂપાણી
રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ કર્યો છે.
ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી
તેઓએ એવી પણ માંગ કરી છે કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કૌભાંડ કરાયું છે તેની સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.કોંગ્રેસના નેતાઓએ મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશન (લખનઉ)ની ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી.
મેં કોઇ કૌભાંડ નથી કર્યું, કોઇ પણ તપાસ માટે તૈયાર : રૂપાણી
કોંગ્રેસના સમગ્ર આક્ષેપ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપી બચાવ કર્યો હતો કે, 500 કરોડ તો શું 5 કરોડનું પણ કૌભાંડ આચર્યું નથી. તેમણે ખુલાસો કર્યો હતો કે રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે રેસિડેન્સિયલ ઝોનની જમીન ઈન્ડસ્ટ્રીયલમાં ફેરવી છે. જો કૃષિ હેતુની જમીન ઔદ્યોગિક હેતુ માટે ફેરવાય તો જમીનના ભાવ વધે. રેસિડેન્સિયલના ભાવ ઔદ્યોગિક કરતા તો વધારે હોય છે તેથી રેસિડેન્સિયલમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોન ફેરબદલ ગડબડ ન ગણી શકાય. તેઓએ કહ્યું કે, ‘મેં ક્યારેય ખોટું કર્યું નથી. એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું’
હેતુફેર કરીને 500 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું
આ કંપનીની વિવિધ સ્કીમમાં રોકાયેલા નાણાં અને પ્લોટિંગના નામે ઉઘરાવેલી રકમ પરત અપાવવાના બદલે તેમજ સમગ્ર જમીન શ્રીસરકાર કરવાના બદલે આ જમીનમાં ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજના આગ્રહના કારણે હેતુફેર કરીને 500 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ માટે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના કાર્યક્ષેત્રમાં આવતા આણંદપર (નવાગામ) અને માલિયાસણ ગામના જુદા જુદા 20 રેવન્યૂ સરવે નંબરની 5,37,240 વાર (111-06 એકર) જમીન હતી.
જમીન મૂળ સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશને ટાઉનશિપ બાંધવા માટે લીધી હતી
આ જમીન મૂળ સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશને ટાઉનશિપ બાંધવા માટે લીધી હતી. જોકે આ સમયે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પાસે શહેરી વિકાસ મંત્રાલયનો પણ હવાલો હોવાથી તેઓએ અલગ અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરાવી ગત તા.28-05-2021ના રોજ ઝોન ચેન્જ કરવા માટે મંજૂરી આપી દીધી હતી. આ ઉપરોક્ત સરવે નંબરની જમીન સૌ પ્રથમ કોની માલિકીની હતી, ત્યારબાદ તેનું કોને કોને વેચાણ કરવામાં આવ્યું અને હાલ આ જમીન કોના નામે છે, તે અંગે તપાસ કરવામાં આવે તો અનેકવિધ નવા જ કૌભાંડો બહાર આવી શકે તેમ છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો.
આટલી જમીનમાં હેતુફેર માટે ભલામણો કરાઈ
1 આણંદપર (નવાગામ) રેવન્યૂ સરવે નંબર-44, 57, 60 – 1 તથા માલિયાસણના રેવન્યૂ સરવે નંબર 27ની રહેણાક ઝોનમાં આવતી જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવાઈ
2 ટીપી સ્કીમ નંબર 4, ઓપી નંબર, અંતિમ ખંડ નંબર-956ની જમીનોને ઔદ્યોગિક ઝોનમાંથી રહેણાક ઝોનમાં ફેરવવામાં આવી
3 નારણકા ગામના રેવન્યૂ સરવે નંબર 75-2ની જમીનમાંથી નીકળતા 90 મીટર રોડની એલાઇન્મેન્ટમાં ફેરફાર સૂચવવા તથા તે મુજબ આનુસંગિક ઝોન સૂચવવા ભલામણ કરાઈ
4 માધાપર રેવન્યૂ સરવે નંબર-111-1 પૈકી 13ની વોટર ફિલ્ટર પ્લાન્ટ રિઝર્વેશનની જમીનને રિઝર્વેશનમાંથી મુક્ત કરી રહેણાક ઝોનમાં ફેરફાર કરવા ભલામણ કરાઈ
5 કુવાડવા રેવન્યૂ સરવે નંબર-181ની રિક્રિએશન ઝોનમાં આવતી જમીનને ઔદ્યોગિક ઝોનમાં ફેરફાર કરવા ભલામણ કરાઈ
6 ઘંટેશ્વરના રેવન્યૂ સરવે નંબર-34, 35 તથા 36ની ઔદ્યોગિક ઝોનમાં આવતી જમીનને રહેણાક ઝોનમાં ફેરફાર કરવા ભલામણ કરાઈ હતી
‘અમદાવાદમાં જમીનો છૂટી કરવા તત્કાલીન કલેકટર વિક્રાંત પાંડે પર દબાણ કર્યું’તું’
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના કાર્યકાળ દરમિયાન મોટા જમીન કૌભાંડ થયા હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધ પક્ષ પ્રવકત્તા વિરજી ઠુમરે કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ સંયુકતરીતે કહ્યું હતું કે, અમદાવાદની વસ્ત્રાપુર,થલતેજની જમીનો છૂટી કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદના તત્કાલિન કલેકટર વિક્રાંત પાંડેને બંગલે બોલાવીને રૂ. 100 કરોડના કૌભાંડનો કારસો રચ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, રૂપાણી અને પાંડે મળીને વસ્ત્રાપુર અને થલતેજની જમીનો છૂટી કરે તે પહેલા આ પ્રકરણની ગંધ દિલ્હી આવી ગઇ હતી. દિલ્હીના નેતાઓને જમીન પ્રકરણની ખબર પડતા અમદાવાદના તત્કાલિન કલેકટર પાંડેની દિલ્હી બદલી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તત્કાલિન મહેસુલ સચિવે પણ રસ લઇને રોકી દીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..