નવસારી પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં સુરતનાં 5 લોકોનાં મોત

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં. 48 ઉપર કાર ચાલકે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ધસી જઈ ટેમ્પો સાથે અથડાતા પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે 5મી જૂને સુરતના વરાછા વિસ્તારના પાંચ યુવાનો ટાટા ઈન્ડીગો માનઝા લઇ દમણ તરફથી સુરત તરફ જતા હતા. એ સમયે નવસારી પાસે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા સાંજે 6.40 કલાકે કારચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી અમદાવાદ-મુંબઈ લેનમાં આવતા આઈસર ટેમ્પોમાં ધડાકા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો અવાજ સાંભળી હાઇવે ઉપર ચાલતા વાહનોના પૈડાં થંભી ગયા હતા અને મદદ માટે દોડી ગયા હતા.

વરાછાના યુવાનો દમણથી સુરત તરફ આવતા હતા. કાર ડિવાઈડર કૂદી સામેની લેનમાં ટેમ્પો સાથે અથડાઈ હતી

આ અકસ્માતની જાણ થતા આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા પરંતુ કારમાં પાંચેય યુવાનોના મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. કારમાંથી એક યુવાનનું આધારકાર્ડ મળતા તે સુરતનો હોવાનું માલુમ પડ્યું હતું. કારમાંથી યુવાનોની લાશ કાઢતા 1 કલાક જેટલો સમય લાગ્યો હતો. રાત્રે ૮ કલાકે પાંચેયની લાશને પી.એમ.માટે ગણદેવી લઈ જવા રવાના કરાઈ હતી.

સીએનજી કિટ 500 ફૂટ દૂર ફેંકાઈ

કાર અને ટેમ્પો વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જીન હાઇવે ઉપર જ છુટું પડી ગયું હતું અને કારની સીએનજી કિટનો બાટલો 500 ફૂટ દૂર ખેતરમાં ફંગોળાયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકો

(૧) વૈભવ ઘનશ્યામ પટેલ

(૨) મિત વિનોદભાઈ પટેલ (રહે,૨૮,મહેન્દ્ર નગર મોઢેરારોડ મહેસાણા)

(૩) જતનકુમાર મુકેશભાઈ પટેલ (રહે, સી-૨૨,પરમહંસ સોસાયટી,લંબે હનુમાન રોડ,સુરત)

(૪)જય ભુપેન્દ્ર પ્રજાપતિ (રહે,૨૦૧,રેણુકાભવન બોમ્બે માર્કેટ બાજુમાં)

(૫)હેત વસંતકુમાર પટેલ (રહે,ડી-૨૦૩,વાણીરાજ એપાર્ટમેન્ટ,ચામુંડા નગર,લંબે હનુમાન રોડ,સુરત)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો