અમદાવાદના પરિવારે બ્રેઈન ડેડ થયેલ 4 વર્ષના પુત્રની કિડનીનું દાન કરી સુરતના બાળકને આપ્યું નવું જીવન

ચાર વર્ષના માસૂમ દીકરાના શ્વાસના ધબકારા હવે ધીમે ધીમે મંદ પડી રહ્યા છે અને તેની અંતિમ ઘડી ગણાઇ રહી હોવાનો ખ્યાલ આવી જતાં શહેરના એક પરિવારે તેમના દીકરાનું અંગદાન કરવાનો સંકલ્પ પૂર્ણ કરીને માનવીય સંવેદના અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બંને પરિવારના સભ્યોએ એકબીજાને આભાર પ્રગટ કર્યો:

દીકરાની કિડની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા સુરતના 4 વર્ષના બાળકમાં પ્રત્યાર્પણ કરાવીને તેને નવજીવન આપ્યું છે. કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના એક બાળકના જીવનદીપને પુન: પ્રકાશિત કરવાની આ ઘટનાને પગલે બન્ને પરિવારના સભ્યોએ જીવનમાં કાંઇક ખાસ અને ઉમદા કાર્ય કર્યાની ભાવના સાથે એકબીજા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

4 વર્ષના હેતાંગનો પગ લપસતા તે ધાબાની પેરાફીટ પરથી નીચે પટકાયો હતો: 

માનવીય મનની સંવેદનાનો સાક્ષાત્કાર કરાવતી આ ઘટનાની કહાની કંઇક આવી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર સેટેલાઇટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીના સંકુલમાં પરિવાર સોસાયટીમાં રહે છે. નીરવભાઇ હરગોવિંદભાઇ સોનગરા તેમના પરિવાર સાથે 4 જૂનની રાતે ધાબા પર નિદ્રાધીન થયા હતા. વહેલી સવારના તેમના બન્ને સંતાનોની આંખો ખૂલી જતા ધાબા પર રમવા લાગ્યા હતા. આ દરમિયાન 4 વર્ષના હેતાંગનો પગ લપસતા તે ધાબાની પેરાફિટ પરથી નીચે પટકાયો હતો. હેતાંગની 6 વર્ષની બહેને બૂમ પાડી કે ભાઇ પડી ગયો. આથી પરિવારના સભ્યો અને પડોશી દોડી આવ્યા હતા.

5 દિવસ બાદ હેતાંગ મૃત્યુ પામ્યો: 

અર્ધ બેભાન હેતાંગને પરિવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબોની ટીમે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આવી નાજુક ક્ષણો વચ્ચે ઘરના હેતાંગના દાદા ભવાનભાઇ અને નાનાભાઇ પરસાણાએ પરિવારને હિંમત આપતા હેતાંગને અન્યમાં જીવિત રાખવા તેના અંગદાન માટે સમજાવ્યા હતા. જેને પગલે હેતાંગને અસારવા સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેના 5 દિવસ બાદ હેતાંગ મૃત્યુ પામ્યો હતો. ત્યારે ડોક્ટરોને હેતાંગના અંગદાન અંગે જાણ હોઇ તેમણે હેતાંગના પરિવારને તેમની હોસ્પિટલમાં દાખલ સુરતના 4 વર્ષીય મહેશને કિડનીની જરૂર હોવાનું જણાવતા પરિવારે હેતાંગની કિડની મહેશને દાન આપી હતી.

અન્યના જીવનમાં ખુશીથી પરિવાર ખુશ: 

મહેશના ચહેરા પર નવજીવન મળ્યાનું સ્મિત નીહાળીને સોનગરા પરિવારે ‘હેતાંગ’નો હસ્તો ચહેરો નિહાળ્યાની લાગણી અનુભવી હતી. આમ એક માનવસેવાનું કલ્યાણકારી કાર્ય પરિપૂર્ણ કર્યાની લાગણીથી બન્ને પરિવારોએ જીવનમાં કાંઇક ઉમદા કાર્ય કર્યાની અનુભૂતિ અનુભવી હતી. કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના એક બાળકના જીવનદીપને પુન: પ્રકાશિત કરવાની આ ઘટનાને પગલે બન્ને પરિવારના સભ્યોએ જીવનમાં કાંઇક ખાસ અને ઉમદા કાર્ય કર્યાની ભાવના સાથે એકબીજા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો