ગુજરાત ATS ની ચાર મહિલા પોલીસ ઓફિસરોનું પરાક્રમ, જૂનાગઢના કુખ્યાત જુસાબ અલ્લારખાને ઘૂંટણિયે પાડ્યો

ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે 35 જેટલા અલગ અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

એટીએસને બાતમી મળી હતી: 

ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને પગલે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે ગઈ કાલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું. ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખા મળી આવ્યો હતો. એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જુસાબ અલ્લારખા પર જૂનાગઢમાં 15થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. તે જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુઃખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસાબ અલ્લારખાને ઝડપી લેતા તેનો જૂનાગઢમાં ખૌફ દૂર થયો હતો.

મહિલા અધિકારીઓને કામ સોંપાયું: 

પોલીસમાં કે ખાનગી જગ્યાએ નોકરી કરતી મહિલાઓ મોટેભાગે ઓફિસ કે પોલીસ સ્ટેશનમાં નોકરી કરવાનું પસંદ કરતી હોય છે. તેવી જ રીતે મહિલા પોલીસને પોલીસ સ્ટેશનના સામાન્ય કામો સોંપવામાં આવતા હોય છે. પંરતુ ગુજરાત એટીએસે તેની ટીમમાં 4 મહિલા પીએસઆઇને કામ સોંપ્યું હતું. ચારેય મહિલા પીએસાઈએ જૂનાગઢના કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખાને ઝડપી પાડીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.

સંતોકબેને બે દિવસ પહેલા પણ બે આરોપી પકડ્યા હતા: 

ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ભાડેરના જીવન સાંગાણીની હત્યા કેસમાં બે દિવસ પહેલા આ જ ટીમના સંતોક ઓડેદરા અને અન્ય બે મહિલા પીએસઆઇએ આ ગુનામાં બે આરોપીઓને પકડ્યા હતા. સંતોક ઓડેદરાએ તેમની ટીમ સાથે વંથલીના રવની ગામના બે આરોપી સલીમ હબીબ સાંધ અને આમદ હબીબ સાંધ નામના બે આરોપીને પકડી પાડ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો