કોમી એખલાસનો અનોખો સંદેશ / મુસ્લિમ બિરાદરો દ્વારા ઉનાવામાં 32 હોટલો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ફાળવી આપી
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની ઊજવણી કરાઇ રહી છે. ત્યારે ઉનાવા સહિતના મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના મુસ્લિમ બિરાદરો દ્વારા લક્ષચંડી મહોત્સવના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે 32 જેટલી હોટલોમાં રોકાણ કરવાની અને ચા-નાસ્તો આપવાની સેવા કરી કોમી એખલાસ ભાવનાને વધારે દ્રઢ બનાવી છે. ઉપરાંત, મીરાંદાતાર દરગાહ સામે સેવાકેમ્પ ઉભો કરાયો છે, જેમાં 24 કલાક ચા નાસ્તાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
વિશ્વભરમાં આજે કોમ-કોમ અને ધર્મ-ધર્મ વચ્ચે કટ્ટરતા છવાઈ છે ત્યારે લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ ધર્મ, જ્ઞાતિ, કોમ, સમાજ અને દરેક સંપ્રદાયના લોકોને સાથે રાખી મહોત્સવની ઊજવણી કરી દેશભરમાં સમરસતાનો સંદેશ પહોંચાડાઇ રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ પૂર્વે ઉનાવાના મુસ્લિમ બિરાદરોએ ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ મણિભાઈ પટેલ (મમ્મી), મહામંત્રી દિલીપભાઈ નેતાજી અને પ્રોજેક્ટ મેનેજર આઈએએસ મહેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી લક્ષચંડી મહાયજ્ઞમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ સેવા આપવાનો નિર્ણય લેવાયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે 18થી 22 ડિસેમ્બર સુધી રહેવાની સગવડ મુસ્લિમ બિરાદરો દ્વારા પૂરી પડાઇ છે. ઉનાવા વિસ્તારમાં આવેલી 32 જેટલી હોટલમાં તમામ દર્શનાર્થીઓની રોકાણની વ્યવસ્થા ઉભી કરી છે. દર્શનાર્થીઓની પાસેથી એકપણ રૂપિયો ફી તરીકે લેવામાં આવશે નહીં, વિનામૂલ્યે પાંચ દિવસ હોટલમાં રોકાઈ શકશે. આ હિન્દુ શ્રદ્ધાળુઓની સેવા કોમી એખલાસનો સંદેશો આપે છે.
24 કલાક ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ
32 હોટલમાં 3000થી વધુ યાત્રિકોને રોકવા માટે વ્યવસ્થા કરાઈ છે. યાત્રિકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ઉપરાંત મીરાંદાતાર દરગાહ સામે સેવાકેમ્પ ઉભો કરાયો છે. જેમાં 24 કલાક ચા-નાસ્તાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.50થી વધુ મુસ્લિમ બિરાદરો પાંચ દિવસ સુધી સતત સેવામાં રહેશે.> સૈયદ વારીસઅલી અહેમદઅલી, ચેરમેન મીરાંદાતાર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..