માતા-પિતાના સ્મરણાર્થે 3 બહેનોએ 17 લાખની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી
ઊંઝાના ગોદડ પરિવારની 3 દીકરીઓએ પિતાની સ્વપાર્જિત મિલકતમાંથી રૂ.17 લાખની માતબર રકમની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી હતી. ઊંઝાના ન્યુ બાબુપરામાં રહેતા સવાશ્રયી ખેડૂત વિઠ્ઠલભાઈ મોહનલાલ પટેલ (ગોદડ પરિવાર)નું 75 વર્ષની ઉંમરે 12 જૂન,2015એ અવસાન થયું હતું. તેમને સંતાનમાં 3 દીકરીઓ જ છે. ધર્મપત્ની મેનાબેન પણ 6 જાન્યુઆરી, 2008એ વૈકુંઠવાસી થયા પછી દીકરીઓ પટેલ ભગવતી બેન કનુભાઈ પેપળીયા, પટેલ આશાબેન નરેશકુમાર સોંગણોત અને પટેલ મીનાબેન મિતેશકુમાર રોડએ જ પિતા વિઠ્ઠલભાઈની જીવંત પર્યંત સેવા કરી.
પરગજુ અને ધાર્મિકવૃત્તિનાં મા-બાપની સમાજ ઉપયોગી થવાની અંતિમ ઈચ્છા મુજબ ત્રણે દીકરીઓએ પિતાની સ્વપાર્જિત પૂંજીમાંથી રૂ.17 લાખના ખર્ચે સિદ્ધપુર મુક્તિધામમાં મુક્તિવાહિની અર્પણ કરી છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના તટે જીવતે જીવ તો સૌ કરે મર્યા પછી પણ સદગતને એના પરિવારજનો શાંતિભાવથી લૌકિકક્રિયા કરી શકે છે તેવા ઉમદા હાર્દથી નિર્માણ થયેલા મુક્તિધામને આધુનિક લક્ઝરી જેવી જ 24 બેઠક ધરાવતી, અલ્ટ્રા સાઉન્ડ સાયરન તેમજ દોણી માટે મુક્તિવાહિનીની બહાર એક બોક્સ બનાવ્યું છે એમાં મુકવાથી ધુમાડો રહિત યાત્રા, ફાયર સેફટી સજ્જ મુક્તિવાહિની શનિવારે રાત્રે વાડીપરા ચોક, દૂધલીની દેશ ઊંઝા ખાતે મુક્તિવાહિનીના દાતા ત્રણેય બહેનોના હસ્તે મુક્તિધામના ચેરમેન બળવંતસિંહ રાજપૂતને સુપ્રત કરી હતી.
માતાના અવસાન બાદ પિતાની જીવંતપર્યંત સેવા કરી
સમાજ માટે આ ત્રણેય દીકરીઓ ઉદાહરણરૂપ છે કે, માતાના અવસાન બાદ પિતાની સેવામાં પુત્રની ગરજ ના સરવા દઈ જીવંતપર્યંત સેવા કરી, જેમાં એમના પતિ અને સાસરી પરિવારની સજ્જનતાના પણ દર્શન થાય છે.