ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 મિત્રો ગંગામાં ડૂબ્યા

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ડૂબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે યુવકોની શોધ ચાલું છે.

ફેનિલને બચાવી શકાયો નહી

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના 15 યુવાનો ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતાં. શુક્રવારે સાંજે 4 કલાકે આ ગ્રુપમાંથી 24 વર્ષના 3 યુવાનો ગંગા નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન ફેનીલ ઠક્કર નામનો યુવાન ડૂબવા લાગ્યો હતો. તેની સાથે પાણીમાં ઉતરેલા કૃણાલ કોસાડી અને જેનિશ પટેલ નામના બે મિત્રોએ ફેનિલને બચાવવાની કોશિશ કરી, પરંતુ ફેનિલ ગંગાની ધારામાં વહી જતાં બચાવી શકાયો નહીં. તેને બચાવવાની પ્રયાસમાં કૃણાલ અને જેનિશ પણ ડૂબી જતાં ત્રણેયના મોત થયા હતા. આ અંગે ધારાસભ્ય હર્ષ સંઘવીને જાણ થતાં તેમણે વાડીફળિયામાં તેમના પરિવારજનોને જાણ કરી હતી. તેની સાથે સ્થાનિક ધારાસભ્ય વિનોદ કંડેરીને ફોન કરતાં તેમણે પોલીસ અને એનડીઆરએફની ટીમ મોકલતા ફેનિલનું શબ હાથ લાગ્યું છે. જ્યારે સૂરજ ટોકિઝ પાસે રહેતા કૃણાલ કોસાડી અને અંબાજી રોડ પર રહેતા જેનિશ પટેલના શબ એનડીઆરએફની ટીમ શોધી રહી છે. આ અંગે સાંસદ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા તમામ મદદ અપાઈ રહી છે.

હું ફેનિલને બચાવવા ગયોને 25 ફૂટ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો

‘સાડા ચારથી પાંચની વચ્ચે ઘટના બની હતી. અમે નદીની બહાર જ હતાં. ફેનિલ પાણીમાં ગયો હતો એને બચાવવા માટે હું કુદ્યો. જેનિશ અને કૃણાલ ક્યાથી ક્યા ગયા કઇ ખબર જ ન પડી. હું ફેનિલને ખેંચવા ગયો. નીચેથી ઉપર મેં ફેનિલને પુશ કર્યો પણ ફેનિલની મારા ખભા પર લાત વાગતાં હું હડસેલાઇ ગયો. હું પણ 25 ફૂટ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો. મને તરતા આવડતું હતું એટલે હું તરીને બહાર આવી ગયો. એ સમયે એક છોકરાએ મારો હાથ પકડીને મને બહાર ખેંચ્યો. આ દરમિયાન હું પોતે બચવામાં રહ્યો એમાં ફેનિલનું શું થયું એનો મને ખ્યાલ ન રહ્યો. દોઢ કલાક પછી રેસ્ક્યૂવાળા આવ્યા. અઢી કલાક પછી એમ્બ્યુલન્સ આવી. -પ્રતિક, બચાવવાની કોશિશ કરનાર

ગાંધીનગરથી ફોન આવતા ખબર પડી

મારા પર ગાંધીનગરથી ભાવીક નામના મિત્રનો ફોન આવતા જાણ થઈ કે સુરતના ત્રણ યુવાનો ડૂબ્યા છે. આથી સ્થાનિક સાંસદ વિનોદ કંડેરીને ફોન કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીના પી.એસને જાણ કરતા પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. એક શબ મળ્યું છે બેની શોધખોળ ચાલી રહી છે. આ અંગે વધુ જાણકારી સવારે મળશે. – હર્ષ સંઘવી. ધારાસભ્ય, મજૂરા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો