સુરતમાં 261 લાડકડીઓનું પાલક પિતાઓએ કન્યાદાન કર્યું, હજારો લોકોએ ભાવસભર ભવ્ય વિદાય આપી

સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર દ્વારા આયોજિત પિતા વિહોણી 261 દીકરીઓનું કન્યાદાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સરકારના મંત્રીઓ, ધર્મગુરુઓ સહીત અનેક મહાનુભાવોએ એક લાગણીસભર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. પી.પી.સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ૩ ખ્રિસ્તી, 6 મુસ્લિમ સહીત 252 કન્યાઓને વિદાય આપવામાં આવી હતી.

ખોટા રીતિ રીવાજોને તિલાંજલિ આપવાની હાકલ

પી.પી.સવાણી ગ્રૂપના ચેરમેન મહેશભાઇ સવાણીએ સ્વાગત પ્રવચન જણાવ્‍યું કે, છેલ્લા સાત વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવી રહયું છે. વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતિ રીવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહલગ્નમાં જોડાયો છે, જે બદલ સૌને અભિનંદન.

સુરતમાં અબ્રામાં રોડ પીપી સવાણી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે લાડકડી સામૂહિક વિવાહ યોજાયા

સાસુ સસરા આ દીકરીઓને માતા-પિતા બનીને સાચવે

આ વર્ષે 261 લાડકડી દીકરીઓ પૈકી 6 મુસ્‍લિમ, 3 ખ્રિસ્‍તી દીકરીઓએ પણ એમની પરંપરાગત રીતીરિવાજથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આ માત્ર લગ્નોત્સવ નથી આ એક ભગીરથ યજ્ઞોત્સવ છે. આ સામાજિક કાર્યરૂપી દૈવી આહુતિ છે. જે બાળાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેના આધાર થવાનો આ યજ્ઞ છે. મોવલીયા અને સવાણી પરિવાર આ કાર્ય માટે ધન્યવાદને પાત્ર છે. દીકરીઓ અંગે વાત કરતા પૂજ્ય ભાઈશ્રી એ જણાવ્યું હતું કે દરેક દીકરી પરિવારનું સન્માન જાળવે. માતા-પિતાએ દીકરીઓને સ્વતંત્રતા આપી નવી દિશા ચીંધે તેવુ આહ્વાન કર્યું હતું. સાસુ સસરા આ દીકરીઓને માતા-પિતા બનીને સાચવે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે વિશેષ હાજરી આપી કન્યાઓને આશીર્વાદ આપીને સવાણી અને મોવલીયા પરિવારના આ સેવાકીય કાર્યને બિરદાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સવાણી પરિવારે જ્ઞાતિ, જાતી, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે. મુખ્‍યમંત્રીએ પિતા વિહોણી દિકરીઓને સુખી દામ્‍પત્‍ય જીવનના શુભાશિષ પાઠવી, લગ્ન પવિત્ર બંધન સાથે બે આત્‍માઓના મિલન સાથે કુટુંબીજનો માટેનો અનોખો અવસર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વમાં ભારતીય લગ્ન પરંપરા અનોખી ભારતીય સંસ્‍કૃતિ વ્‍યવસ્‍થાના કારણે ભવોભવ સુધી સાથે રહેવાના સંકલ્‍પને કારણે ભારતીય દંપતિ વિશ્વમાં શ્રેષ્‍ઠ છે.

મહેશભાઇ સવાણી અને મોવલીયા પરિવારે ન્‍યાત-જાત, સંપ્રદાયને એકસાથે જોડીને દેશની અખંડીતતામાં નવી દિશાના દર્શન કરાવ્‍યા છે. સંસ્‍કારી અને સમૃધ્‍ધ, સામાજિક સંવેદના સાથે ચેતના સભર સદભાવનાના વાતાવરણનું નિર્માણ કર્યું છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એચ.આઇ.વી. ગ્રસ્‍ત દીકરીઓનું કન્‍યાદાન કરી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓને આશીર્વાદ આપ્‍યા હતા.

દીકરીઓએ મહેશભાઈ સવાણીને લખેલા પત્રોનું પુસ્તક “લાડકડી”નું વિમોચન

આજના પ્રસંગે દીકરીઓએ મહેશભાઈ સવાણીને લખેલા પત્રોનું પુસ્તક “લાડકડી”નું વિમોચન મુખ્યમંત્રી, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જાણીતા લોકગાયિકા યોગિતા પટેલએ લિખિત, સ્વરાંકન કરેલી અને ગયેલા ગીત “લાડકડી” નું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરીરીસ્ટ ફ્રન્ટના મનીન્દરજીત સિંહ બીટ્ટા, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, કેન્‍દ્રિય મંત્રીશ્રી પુરુષોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, પરમપૂજ્‍ય જીગ્નેશ દાદા, છારોડી ગુરુકુળના શ્રી માધવ પ્રિયદાસજી સ્‍વામી સહીત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે લોકસેવા જનજન સુધી પહોંચે તેવા આશયથી પી.પી.સવાણી પરિવાર દ્વારા તમામ સમાજો એક પ્‍લેટફોર્મ ઉપર આવે અને માહિતી એક સ્‍થળે મળી રહે તેવા આશયથી વેબસાઇટ www.socialway.org નું લોન્‍ચિંગ પાંચ દીકરીઓના હસ્‍તે કરાયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો