ગુજરાતમાં 24 કલાક દુુકાનો, રેસ્ટોરન્ટ ખુલ્લાં રહેશે, કેબિનેટની મંજૂરી
મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશમાં એક માત્ર એવું રાજ્ય છે કે, જેણે ચોવીસ કલાક દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે જાહેરાત કરી હતી કે, વર્ષ 1948થી રચાયેલા શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ક્રાંતિકારી સુધારો કર્યો છે, જે અનુસાર આ કાયદા હેઠળ આવતા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, પેટ્રોલ પંપ પર આવેલ દુકાનોને 24 કલાક ખુલ્લી રાખી શકાશે.
કયા કયા સુધારા આવી રહ્યા છે
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરાયેલા સુધારાથી દુકાન માલિકોની હાલાકીમાં ઘટાડો થશે.
1.નાના વેપારીઓ અને નાના ઔદ્યોગિક એકમોએ હવે વ્યવસાયનું રજિસ્ટ્રેશન એક જ વખત કરવાનું રહેશે,દરવર્ષે રિન્યૂ કરાવવા માટે જવું નહીં પડે.
2.એક વખત કરાયેલું રજિસ્ટ્રેશન આજીવન રહેશે, સિવાય કે માલિકી કે ધંધાના પ્રકારમાં ફેરફાર થાય તો ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
3.જે વ્યવસાયમાં 10 થી ઓછા કર્મચારીઓ હોય તેવા ધંધાકીય એકમે રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે, તેમણે ફક્ત સાદા કાગળ પર અરજી કરીને જાણ કરવાની રહેશે.
4.અત્યાર સુધી કર્મચારીઓને ઓવર ટાઇમનો દોઢો પગાર આપવાનો નિયમ હતો, જેમાં ફેરફાર કરીને હવે ઓવર ટાઈમમાં બમણો પગાર આપવો પડશે.
5.જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાનો વિવિધ શરતોને આધીન 24 કલાક ખુલ્લી રાખી શકાશે
6.મહિલા કર્મચારીઓ માટે સમય સવારના 6.00 થી રાત્રીના 9.00 સુધીનો રહેશે તથા 30 થી વધુ મહિલા કર્મીઓ જે એકમમાં નોકરી કરતી હોય તો તેમનાં બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા રાખવી પડશે.
7.જે એકમોમાં 100 થી વધુ શ્રમયોગીઓ નોકરી કરતાં હોય ત્યાં અલાયદી કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે.
મુંબઈમાં 2017માં આ નિર્ણય લેવાયો હતો
8.મહારાષ્ટ્ર સરકારે ઓગસ્ટ 2017માં મહારાષ્ટ્ર દુકાન અધિનિયમ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું. આથી મુંબઈમાં દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, થિયેટર, મોલ, જાહેર મનોરંજનના સ્થળ 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી મળી ગઈ હતી. જો કે ત્યાં એવો નિયમ કરાયો છે કે જ્યાં 10થી વધુ કર્મચારી હોય ત્યાં નોંધણી કરાવવી ફરજિયાત નહીં હોય. માત્ર એફિડેવિટ આપવાની રહેશે. આ સાથે જ મહિલાઓ માટેનો સમય સવારે 7થી રાત્રે 9.30 સુધીનો નક્કી કરાયો છે. રાતપાળીમાં કામ કરતી મહિલાઓને વિશાખા ગાઈડલાઈન હેઠળ લાભ મળે તેવી જોગવાઈ પણ કરાઈ હતી.