યુવતીના પેટમાંથી 24 સેમીની કેન્સરની ગાંઠ કાઢી: વિશ્વમાં આવી સર્જરીના માત્ર 300 કેસ છે
સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલનાં સર્જનોની ટીમે પોરબંદરની 24 વર્ષની ગાયિકાની છ કલાકની જોખમી વિપલ સર્જરી કરીને જીવ બચાવ્યો છે. સામાન્ય રીતે મહિલામાં પાંચથી 10 સેન્ટીમીટરની ગાંઠ(ટ્યૂમર)ને બદલે આ યુવતીમાં 24 બાય 18 સેમીની કેન્સરની ગાંઠ હતી. ગાંઠ શરીરનાં અવયવોને લોહી પહોંચાડતી નસ સાથે જોડાયેલી હોવાથી નાની ભૂલથી યુવતીનું ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી.
36 વર્ષમાં આટલી મોટી ગાંઠની સર્જરી પ્રથમવાર કર્યાનો ડોક્ટરનો દાવો
24 બાય 18ની મસમોટી ગાંઠની પ્રથમ સર્જરી
1.વિશ્વમાં આટલી મોટી ગાંઠની સર્જરીના માત્ર 300 કેસ નોંધાયા છે. આ સર્જરીને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરવાની તજવીજ છે. સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલનાં પ્રોફેસર ઓફ કેન્સર સર્જરી અને પેટનાં કેન્સરનાં યુનિટનાં વડા ડો. રાજેન ટંકશાળી જણાવે છે કે, યુવતીને ‘સોલીડ સ્યૂડો પેપીલેરી એફિથેલીયલ નિઓ પ્લાસમ(એસપીઇએન)’ 24 બાય 18 સેન્ટીમીટરની મોટી ગાંઠ હતી. બાયોપ્સી કરતાં એક્ટોપિક પેન્ક્રિયાસને લીધે થયાનું જણાયું હતું. સર્જન તરીકેની 36 વર્ષની કારકિર્દીમાં 5થી 10 સેન્ટીમીટરની ગાંઠની 100 વિપલ સર્જરી કરી છે, પણ 24 બાય 18ની મસમોટી ગાંઠની પ્રથમ સર્જરી છે.
ગાંઠ લોહીની મુખ્ય નસ સાથે જોડાયેલી હોવાથી વધુ જોખમ હતું
2.પેન્ક્રિયાસ(સ્વાદુપિંડ)નાં કેન્સર માટે વિપલ સર્જરી કરાય છે. આ સર્જરી સ્વ. અભિનેત્રી નરગીસ દત્ત પર બે વાર કરાઇ પણ સર્જરી સફળ ન થતાં તેનું મૃત્યુ થયું હતું. આ ગાંઠ સાથે લોહીની મુખ્ય નસો જોડાયેલી હોવાથી સાવચેતી જરૂરી છે, ઓપરેશન દરમિયાન નાની ભૂલથી વધુ પડતાં રક્તસ્ત્રાવથી દર્દીનું મોત થઇ શકે છે.
જન્મજાત ખામીથી સમસ્યા સર્જાઇ હતી
3.દર્દીના શરીરમાં સ્વાદુપિંડ(પેન્ક્રિયાસ) તેની મૂળ જગ્યાએ હોય છે, પણ જન્મજાત ખામીથી પેન્ક્રિયાસનો કેટલોક ભાગ અલગ જગ્યાએ વિકાસ પામે છે, જેને કારણે આવી ગાંઠ થતી હોય છે. દર્દીની ઉંમર વધતાં ગાંઠ મોટી થતાં પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે.