અમદાવાદ 22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા
અમદાવાદઃ નિકોલમાં આવેલીપંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમકુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે..
જે વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થઈ છે તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્થાનિક ન્યૂઝ ચેનલ ટીવી 9ના અહેવાલ પ્રમાણે ઘટના બન્યા બાદ સ્કૂલના સંચાલકોએ ઘટનાસ્થળે આવવાની તસ્દી પણ નહોતી લીધી. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરીને બેફામ દોડતી વાહનો કેટલી જોખમી છે તે સવાલ ફરી ઉભો થયો છે.
વાનમાં 22 બાળકો બેસાડવા અંગે વાનના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, એક વાન બગડી ગઈ હોવાથી તેના બાળકો પણ આ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જેના કારણે વાનમાં રહેલા બાળકોની સંખ્યા 22 થઈ ગઈ હતી. જોકે, સ્ટૂડન્ટ્સ વધી જતાં વાનનો દરવાજો પણ બંધ નહોતો થઈ શક્યો, અને ડ્રાઈવરે પણ બેફામ ગાડી ચલાવી બાળકોનો જીવ જોખમમાં મૂક્યો હતો.
ફરિયાદ કરવા આવેલા વાલીઓને નિકોલ અને કૃષ્ણનગર પોલીસે ટ્રાફિક પોલીસ સ્ટે.માં મોકલ્યા
સ્કૂલવાનમાંથીનીચે પટકાયેલા બાળકોના વાલીઓ સ્કૂલવાન ચાલક સામે ફરિયાદ નોંધાવવા નિકોલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પરંતુ પોલીસે તેઓને જી. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. જી. ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ આરટીઓની કામગીરી સામે સવાલ
આ ઘટનાને પગલે અમદાવાદ આરટીઓની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. બે દિવસ પહેલા જ આરટીઓ દ્વારા સ્કૂલવાનના ચાલકો નિયમોનું પાલન કરે છે કે કેમ, વાહનોની ફિટનેસ કેવી છે તેનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું ખુદ ARTO એસ.પી મુનિયાએ જણાવ્યું હતું પરંતુ ત્રીજા જ દિવસે આ રીતે સ્કૂલવાનમાં ખીચોખીચ 22 બાળકો ભરવામાં આવ્યા હતા અને દરવાજો ખુલી જતા ત્રણ બાળકો નીચે પટકાયા હતા.