રાજકોટમાં અનરાધાર 12 ઇંચ વરસાદ, અનેક સ્થળે ભરાયા પાણી, ન્યારી ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ
શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 12 ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો મળી છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.
ન્યારી ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરાયા
રાજકોટમાં પડેલ ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં થઇ નવા નિરની આવક થઈ છે. ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ , આજી-1 ડેમમાં 1.80 ફૂટ , ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થવા પામી છે.ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા ૧૦ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારેન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી-1 અને ન્યારી-2 ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી-2 હેઠળ આવતા ગોકલપુર, રંગપર, તરઘડી, વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી જ્યારે ન્યારી-1 હેઠળ આવતા ઇશ્વરીયા, વડ-વાજડીયા, વાજડીગઢ, વાજડી(વિરડા), હરિપર-પાળ, વેજાગામ, ખંભાળા, ઢાંકરિયા અને ન્યારા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઝાડ પડતા તુરંત જ RMC તથા PGVCLની પ્રશંસનીય કામગીરી
રાજકોટમાં ધરમ સિનેમા પાસે માઈન રોડ પર ઝાડ પડી જતાં તંત્ર દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં આવી હતી. ઝાડ પડી જવાની જાણ થતાં જ RMC તથા PGVCLના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. RMC તથા PGVCLની પ્રશંસનીય કામગીરી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવેલ. જેથી ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે.
ભારે વરસાદના કારણે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ
રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે રાજકોટ માર્કેટ યાર્ડનું તમામ કામકાજ આજે બંધ રહ્યું છે. ભારે વરસાદ અને પવનનાં કારણે પ્લેટફોર્મ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. સર્વત્ર વરસાદ હોવાના કારણે ખેડૂતો પણ માલ ભરીને આવી શક્યા નથી. તો સત્તાધીશો દ્વારા પહેલેથી જ ચેતવણી આપવાના કારણે કોઈપણ જાતનું નુકસાન થયું નથી.
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં ચારેબાજુ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલીમાં 115 મિમિ, વડીયામાં 113 મિમિ, ખાંભામાં 14 મિમિ, જાફરાબાદમાં 8 મિમિ, ધારીમાં 30 મિમિ, બગસરામાં 50 મિમિ, બાબરામાં 124 મિમિ, રાજુલામાં 7 મિમિ, લાઠીમાં 118 મિમિ, લીલીમાં 21 મિમિ, સાવરકુંડવામાં 30 મિમિ વરસાદ ખાબક્યો છે. હાલ વરસાદ વરસી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.