હીરા ઉદ્યોગપતિએ આદિવાસી બાળકોને ભણાવવા 108 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કર્યો

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બને એવા આશયથી વરાછાના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણ અને સેવાના સંકલ્પ સાથે 108 આશ્રમશાળા નિર્માણનો અનોખો સંકલ્પ ‘માનવતાની મહેક’ સેવા મંડળ દ્વારા શરૂ કરાઇ છે. વરાછાના હીરા વ્યવસાયી કેશુભાઈ ગોટીએ તેમના માતાની સ્મૃતિમાં માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી વિસ્તારોમાં 108 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમના સંકલ્પ પૈકીની 40મી અત્યાધુનિક આશ્રમશાળા તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં કાંજણ ગામે પી. પી. સ્વામીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોને અર્પણ કરવામાં આવી હતી.


શિક્ષણથી આખી પેઢીને ગરીબીમાંથી ઉગારી શકાય

1.મૂળ ભાવનગરના હળિયાદના ગરીબ પરિવારમાં જન્મેલા અને માત્ર 3 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર કેશુભાઇ હરિભાઈ ગોટી 1972માં રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયા હતા. સખત પરિશ્રમ બાદ તેઓ હીરાના વ્યવસાયી બન્યા હતાં. કેશુભાઈએ આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે આદિવાસીઓને આર્થિક મદદ કરીએ તો થોડા સમય માટે એમનું પેટ ભરી શકાય, પણ જો એમના બાળકોને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તો આખી પેઢીને ગરીબીમાંથી ઉગારી શકાય.

40 આશ્રમશાળાઓ બનાવી ગ્રામજનોને અર્પણ કરી

2.કેશુભાઈએ 108 શાળા, છાત્રાલયો- આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ લીધો હતો. ટ્રસ્ટના યુવકોના પુરુષાર્થથી ધરમપુર, વાસંદા, તાપી, નિઝર, ડેડિયાપાડા, નર્મદા, વલસાડ, ડાંગ સહિત દ. ગુ.ના આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 40 આશ્રમશાળાઓ બનાવી ગ્રામજનોને અર્પણ કરી અનોખું સેવાકાર્ય કરાયું છે. કાંજણ ગામે સહદાતા આશિષભાઈ બાબુભાઈ લખાણી દ્વારા આશ્રમશાળાનું ભવન ગ્રામજનોને અર્પણ કરાયું હતું.

છેલ્લા 15 વર્ષથી જીવનજરૂરી વસ્તુ પૂરી પાડે છે

3.‘માનવતાની મહેક સેવા મંડળ’ દ્વારા છેલ્લાં 15 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો-આશ્રમશાળામાં ભોજન, કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરી સેવા કરવામાં આવે છે. કેશુભાઈ ગોટી દ્વારા 108 આશ્રમશાળાઓના નિર્માણનો સંકલ્પ કરાયો છે. અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 40 આશ્રમશાળાઓ બનાવી ગ્રામજનોને અર્પણ કરી દેવામાં આ‌વી છે. જ્યારે અન્ય 23 આશ્રમશાળાનું નિર્માણ કાર્ય ચાલુ છે. જે આગામી સમયમાં ગ્રામજનોને અર્પણ કરાશે.- લક્ષ્મણભાઈ મોરડિયા, પ્રમુખ, માનવતાની મહેક સેવા મંડળ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો