102 નોટ આઉટઃ સુરતના આ દાદા થઈ રહ્યા છે યુવાન,આવ્યા કાળા વાળ
102 નોટ આઉટ નાટક અને ફિલ્મમાં માત્ર બાપ દીકરાની જ વાત છે. પરંતુ સુરતના મોટા વરાછા વિસ્તારમાં શતાયુ વટાવી ચુકેલા ગોવિંદભાઈ ગોયાણીની ચાર પેઢી એક જ છત નીચે જીવી રહી છે. અને પરિવારમાં એક જ છત નીચે ચાર પેઢી આનંદ કિલ્લોલથી વસવાટ કરી રહી છે. છતાં તમામ સભ્યો મોકળાશ ભર્યા વાતાવરણમાં ખુશ છે. શતાયુ વટાવી ચુકેલા દાદા ગોવિંદભાઈને હવે સફેદમાંથી કાળા વાળા આવી રહ્યાં છે અને ખોરાકમાં પણ વધારો થયો છે.
80 જેટલા સભ્યોનો પરિવાર
મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ગોવિંદભાઈ રત્નાભાઈ ગોયાણી તેમના બીજા નંબરના સંતાન લાધાભાઈ સાથે સુરતના મોટા વરાછા સ્થિત રાધે રેસિડેન્સી રહે છે. ગોવિંદભાઈને સાત સંતાનો છે. અને તેમના સંતાનો અને તેમના ધરે પણ સંતાનો છે. જેથી 80 જેટલા સભ્યોના દાદા એવા ગોવિંદભાઈ લાધાભાઈ સાથે 25 વર્ષથી સુરતમાં રહે છે.
વાંચવાનો અને કવિતાઓનો શોખ
શતાયુ પાર કરી ચુકેલા ગોવિંદભાઈ જે તે વખતે ચાર ધોરણ પાસ હતાં. અને શિક્ષકની નોકરી મેળવી શકે તેમ હતાં. હવે તેમને આંખોમાં દેખાવાનું થોડું ઓછું થયું છે નહીંતર અગાઉ તેઓ પુસ્તકો અને ન્યૂઝપેપર રોજ વાંચવાનો ક્રમ ધરાવતાં હતાં. આજે પણ કવિતા, રામાયણ અને મહાભારત મોઢે હોવાથી તેઓ ગાય છે અને જૂના ધોળ અને સાખીઓ પણ ગાતા હોય છે.
દીકરાઓને આપે છે સંપૂર્ણ છૂટ
ગોવિંદભાઈ અને લાધાભાઈ પિતાપુત્ર વચ્ચે ઘણી સામ્યતાંઓ છે. ચાલવામાં ઝડપ, કોઈનું ખરાબ કરવું નહીં. દીકરાઓને સંપૂર્ણ છૂટ આપવી, જે કામ ન કરતાં હોય તેમાં ચંચુપાત ન કરવો, તબિયત સહિતની બાબતોમાં ઘણી સામ્યતાં છે. વર્ષોથી વહીવટ છોડી દેનાર દાદાએ ક્યારે પોતાના દીકરાને ટોક્યાં નથી. જેમને જે કરવું હોય તે કરવાં દે છે. જે ગુણો પરિવારના દરેક સભ્યમાં સુપેરે જોવા મળે છે. સાથે બાપ દીકરા વચ્ચે ક્યારેય પણ કોઈ મુદ્દે ઝઘડો થયો હોય તેવું બેમાંથી એકેયને યાદ પણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
દાદા-દાદી ઘરે જ હોય
ગોવિંદભાઈના દીકરા લાધાભાઈના પત્ની શિવકુંવરબેને જણાવ્યું હતું કે, અમારી સાથે દાદા દાદી હોવાથી અમને ક્યારેક ક્યાંય પણ જવું હોય તો કશો જ પ્રોબ્લેમ આવતો નથી. મને યાદ પણ નથી કે મારા ઘરે ક્યારે તાળું લાગ્યું હોય. દાદાની હવે તબિયત પહેલા કરતાં સુધરી રહી છે. તેમનો નિત્યક્રમ પણ ખૂબ સરળ છે. અને જીવન પણ એટલું જ સરળ છે.
દાદાને પુછવા ગામડેથી પણ આવે છે લોકો
ગોવિંદભાઈના પૌત્ર ખોડીદાસભાઈએ જણાવ્યું હતું કે, રૂપાવટી ગામમાં સૌથી વધુ વયની કોઈ જીવિત વ્યક્તિ હોય તો તે દાદા છે. એટલે જમીનના પ્રશ્નો સર્જાય કે કોઈ બીજી બાબતો અંગે ગામના લોકો પણ દાદાને પુછવા આવે છે. અને દાદાની યાદ શક્તિ પણ સાબૂત છે.દાદા ખેતરથી લઈને ઘરની દિવાલ ક્યાં હતી અને કેવો વહિવટ જે તે વખતે થયેલો તે અંગેની માહિતી આપતાં હોય છે.
ધાર્મિક કાર્યોમાં આગળ રહે
ગોવિંદભાઈના બીજા પૌત્ર અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, તેમનો સ્વભાવ ધાર્મિક પ્રવૃતિનો છે. આખો દિવસ વાતચીત કરતીવખતે પણ તેમના હાથમાં માળા હોય છે. જેના કારણે રાત્રે પણ સૂતી વખતે તેમનો હાથ હવે માળા ફરવતો જોઈ શકાય છે. સવારે છ વાગ્યે જાગી જતાં દાદા ત્રણેય ટાઈમ જમે છે. સવારે દહિં રોટલી અને બપોર સાંજ જે બન્યું હોય તે જમી લે છે. અને રાત્રે લગભગ આઠથી નવ વાગ્યાની આસપાસ સુઈ જવાનો નિત્યક્રમ રાખ્યો છે.
માનસિક તાણથી દૂર રહો
દાદાએ લાંબા આયુષ્ય અંગે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, ક્યારેય પણ કોઈનું ખોટું ન કરો. કોઈનું લીધા પછી એને ધક્કા ન ખવડાવો. અથવા કોઈ પાસેથી કંઈ લેવાનું જ નહીં. અસત્યનો ઉપયોગ ન કરો તો કોઈ દિવસ ઉપાધિ (માનસિક તાણ) જ ન રહે. માનસિક તાણથી દૂર રહેવાને જ દાદા લાંબા આયુષ્ય પાછળનું કારણ ગણાવે છે. હવે શિયાળામાં ક્યારે શ્વાસની તકલીફ થાય છે. તો આંખે ઝાંખપ અને કાને થોડું ઓછું સાંભળે છે. જો કે બોલવામાં અને ચાલવામાં હજુ પણ તેમની તંદુરસ્તી ભલભલા યુવાનને શરમાવે તેવી છે.