અમદાવાદમાં ચોરીના સ્કૂટરનો ઈ-મેમો પોલીસ માલિકના ઘરે મોકલે છે પણ સ્કૂટર શોધી શકતી નથી

અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી 10 મહિના પહેલા ચોરી થયેલું સ્કૂટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યું છે. બુકાનીધારી યુવક-યુવતી આ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ફરી રહ્યા છે અને 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યુ હોવાથી માલિકના ઘરે ઈ-મેમો પણ આવી ચૂક્યા છે. સીસીટીવીમાં સતત દેખાતા આ યુવક-યુવતી વસ્ત્રાપુરમાં રહેતા હોવાની શંકાના આધારે પોલીસે ઘણી સોસાયટીઓમાં પણ તપાસ કરી. તેમ છતાં ચોરી થયેલું સ્કૂટર કે યુવક-યુવતી પોલીસને મળતા જ નથી.

સમાજનાં ફંકશનમાં ગયા અને સ્કૂટર ચોરાયું

નરોડા પાયલનગર સોસાયટીમાં રહેતા સુરેશ શાહે 14 સપ્ટેમ્બર 2018 ના રોજ સિંધુ ભવન રોડ પરના પંડિત દીનદયાળ હોલામાં સમાજનું ફંકશન હોવાથી સ્કૂટર હોલની સામે રોડ ઉપર પાર્ક કર્યું હતું. બપોરે 1.30 વાગ્યે તેઓ બહાર આવ્યા ત્યાં સુધીમાં સ્કૂટર ચોરાઇ ગયું હતું. આ અંગે સુરેશકુમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 10 મહિના પછી પણ હજુ સુધી સુરેશકુમારનું સ્કૂટર મળ્યું નથી કે ચોર પકડાયા નથી. પરંતુ સુરેશકુમારનું સ્કૂટર અવારનવાર જજિસ બંગલા, માનસી સર્કલ, કેશવબાગ, નહેરુનગર તેમજ શ્યામલ ચાર રસ્તા પાસે ફરતું તે રોડ પરના સીસીટીવીમાં દેખાય છે. આટલું જ નહીં આ સ્કૂટર ઉપર હંમેશાં બુકાની ધારી યુવક-યુવતી જોવા મળે છે.

સોસાયટીઓમાં રાત્રે વાહનો ચેક કર્યા પણ સ્કૂટર મળતું નથી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, સુરેશકુમારનું સ્કૂટર જજિસ બંગલા રોડ, માનસી સર્કલ, કેશવબાગ, નહેરુનગર તેમજ શ્યામલ ચાર રસ્તા સીસીટીવીમાં દેખાય છે. વિસ્તારની સોસાયટીમાં રાત્રે પાર્ક કરેલા વાહન ચેક કરીએ છીએ, પરંતુ સ્કૂટર મળતું નથી.

સ્કૂટરનો નંબર પણ એ જ છે

ફરિયાદી સુરેશ શાહે જણાવ્યું હતું કે, સ્કૂટર ચોરાયુ ત્યારબાદ મારા ઘરે 3 ઈ-મેમો આવ્યા હતા. જેમાંથી 1 સ્ટેડિયમ પાંચ રસ્તાનો, 1 શ્યામલ રસ્તાનો અને 1 જજિસ બંગલા ચાર રસ્તાનો હતો. જેમાં બુકાનીધારી યુવક-યુવતી મારું સ્કૂટર નંબર બદલ્યા વગર ચલાવતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં તે પકડાતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો